મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૨૦-૦૪-૨૦૧૮ના રોજ તેમના વતનના ગામ ભેંસાણ તાલુકાના ચણાકા ગામે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના વતનના ગામ ચણાકામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પિતૃવતનના ગામ ચણાકામાં પધારી રહયા હોઇ ગામ લોકોમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવા આતુરતા અને ઉત્સાહ છે.
ચણાકામાં ચણાકા લેઉવા પટેલ સમાજ દ્વારા છઠ્ઠા સમુહલગ્ન યોજાઇ રહયા છે. મુખ્યમંત્રી આ પ્રસંગે ૨૧ નવદંપતિઓને શુભેચ્છા આપશે. ગામના સરપંચ અને સમુહલગ્ન સમિતિના આયોજક ઉમેશભાઇ બાંભરોલીયા, જગદીશ બાંભરોલીયા અને સમસ્ત ગ્રામજનોની સમિતિ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવાની તેમજ તમામ કાર્યક્રમો વ્યવસ્થિત રીતે યોજાય અને આસપાસના ગામો અને લગ્ન પ્રસંગમાં આવી રહેલા મહેમાનો-લોકોને વિવિધ સુવિધા મળી રહે તે માટે તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. આ પ્રસંગે ગીર ગાયની વાછરડીનું પુજન કરી દરેક નવ દંપતિને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગીર ગાયની વાછરડીનું ગૌ દાન કરવામાં આવશે.
ભેંસાણ જુથ યોજના આધારિત ચણાકા ગામની પાણી પુરવઠા યોજના બનાવવામાં આવેલ છે. હાલમાં ગામને ૭૦ lpcd મુજબ પાણી આપવામાં આવે છે. ચણાકામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બોર, પમ્પીંગ મશીનરી અને પીવીસી પાઇપલાઇન અને સંપનું કામ રૂ.૧૩.૭૪ લાખના ખર્ચે કરવામાં આવેલ છે. આ ઉપરાંત વાસ્મો દ્વારા રૂ. ૬૫.૪૧ લાખના ખર્ચે ઘરે ઘરે પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલ છે. આ બન્ને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
ચણાકા ગામને વર્ષો પછી ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું છે. ગામની મહિલાઓમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવા ઉત્સાહ છે. આ અંગે પ્રતિભાવ આપતા કૈલાસબેન પટેલે જણાવ્યું હતું કે, પહેલા અમારે ઉનાળામાં પાણી માટે બહાર હેન્ડ પંપ પર જવું પડતું હતું. આજે નળ વાટે ઘરે ઘરે પાણી આવ્યું છે. હંસાબેને પણ ગામાં પાણીની કાયમ માટે નિરાંત થઇ તે અંગે ખુશી વ્યકત કરી હતી.ગામ લોકોએ મુખ્યમંત્રીએ ગામના વિકાસના કામો માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. દ્વારા ૬૬ કે.વી. સબ સ્ટેશન ચણાકા ખાતે બનાવવામાં આવેલ છે. રૂ.૪૪૨ લાખના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશન બનાવવામાં આવેલ છે. આ સબસ્ટેશનથી ગોરખપુર, ઉમરાળી, વાંદરવડ, નાના ગુજરીયા, મોટા ગુજરીયા હાજાની પીપળીયા અને પીરવડ, ઉમરાળી સહિતના ગામોને પુરતા વીજભાર સાથે સાતત્યપુર્ણ વીજ પુરવઠો મળશે. મુખ્યમંત્રી આ ટ્રાન્સમિશનનું પણ લોકાર્પણ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








