ભારત-ચીનની સેના વચ્ચે તુલના
ન્યુ દિલ્હી,તા.૨૪
ચીન અને ભારતની લશ્કરી ક્ષમતાઓની તુલના કરીએ તો ચોક્કસ ચીન ભારતથી આગળ છે. તેની પાસે ઘણા વિકસિત શસ્ત્રો છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ભારત કોઈપણ રીતે ચીન સાથે સ્પર્ધા કરી શકે નહીં. તમને જણાવી દઇએ કે બન્ને દેશોની સેનામાં કેટલી શક્તિ છે. ચીનએ આ વર્ષે તેના સંરક્ષણ બજેટમાં ૮.૧ ટકાનો વધારો કરતા તેમા ૧ હજાર ૧૧૦ કરોડ યુઆન એટલે કે લગભગ ૧૧ હજાર ૩૭૫ અબજ રૂપિયાથી વધુ કર્યું છે. ચીનનું અગાઉનું સંરક્ષણ બજેટ ભારત કરતાં ત્રણ ગણુ વધારે હતું. ભારતે પાછલા વર્ષે સંરક્ષણ બજેટ ૫૨.૫ અબજ ડોલર એટલે કે ૩ હજાર ૪૦૯ અબજ રૂપિયા રાખવામાં આવ્યું હતું. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીમાં તાજેતરમાં ૨૨ લાખ સક્રિય કર્મચારી છે, જ્યારે ભારતમાં આ સંખ્યા ૧૫ લાખ છે.
ચીનની પાસે ડોન્ગ ફેન્ગ-૩૧એ મિસાઈલ છે, જેની મારક ક્ષમતા ૧૧ હજાર ૨૦૦ કિલોમીટર છે. આ ઉપરાંત, ડોન્ગફેન્ગ-૪૧ મિસાઈલ પણ તૈયાર છે. જેની મારક ક્ષમતા અંદાજે ૧૫,૦૦૦ કિલોમીટરની જણાવવામાં આવી રહી છે. બીજી તરફ ભારત પાસે ૩૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી અગ્નિ-૩ મિસાઈલ છે. તે ઉપરાંત ૪૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી અગ્નિ -૪ સાથે ૫ હજાર કિલોમીટરથી વધુ મારક ક્ષમતા ઘરાવતી અગ્નિ ૫ મિસાઈલને સૈન્ય સાથે જાડાવા માટે ૧ વર્ષનો સમય લાગશે. ચીન પાસે કુલ ૨૬૦ પરમાણુ શસ્રો છે અને બીજી બાજુ ભારતની પાસે માત્ર ૧૧૦ પરમાણુ શસ્ત્રો છે.
ચીનની પાસે ૨૧૦૦થી વધુ ફાઇટર એરક્રાફ્ટ છે, જ્યારે ભારત પાસે ૫૦૦થી વધુ ફાઇટર એરક્રાફ્ટ છે. આ ઉપરાંત ચીનની પાસે ૭૦૦૦થી વધુ ટેન્ક્સ અને ભારતની પાસે ૩,૩૦૦થી વધુ ટેન્ક્સ છે.
ચીનની પાસે કુલ ૧૧૧ યુદ્ધજહાજ છે, એક વિમાનવાહક જહાજ અને ૩૧ ડિસ્ટ્રોયર છે. ત્યાં ભારત પાસે ૩૭ યુદ્ધજહાજ, ૧ વિમાનવાહક જહાજ અને ૧૧ ડિસ્ટ્રોયર છે. આ સાથે જ ચીનની પાસે ૬૩ સબમરીન છે, જેમાં નવ પરમાણુ સંપન્ન છે. ભારત પાસે ૧૬ સબમરીન છે, જેમાંથી ૨ પરમાણુ સંપન્ન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





