આણંદ,તા.૮
આણંદ જીલ્લો હંમેશા હરિયાળા જિલ્લા તરીકે ઓળખાયો છે અને આ જ જિલ્લાના છેવાડા ખંભાત તથા તારાપુર સહિતના ભાલ પંથકના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા વધતી જાય છે. આ વિસ્તારમાં આવેલા કનેવાલ અને પરીએજ જેવા વિશાળ તળાવોમાંથી સૌરાષ્ટ્ર સુધી પાણી આપવામાં આવે છે અને નજીકના વિસ્તારના ગામડાઓની પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે. તેવામાં ખંભાતના દરિયાઈ તટ પર વસેલા વડગામની બાજુમાં ખારા જળનો દરિયો ભર્યો છે. તેમ છતાં મીઠા પાણીની એક એક બુંદ માટે અહીંના લોકો વલખાં મારી રહ્યા છે. ગામમા મસમોટા તળાવ છે પણ તે વિના પાણીએ સુકાભઠ્ઠ પડેલા છે. ગામમાં કનેવાલ તળાવમાંથી માત્ર એક કલાક પાણી અપાય છે, જે પૂરતું નથી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કુલ ૬૦૦૦ની જનસંખ્યા ધરાવતા આ ગામમા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. જેનાથી નાસીપાસ થઈને ૨૨૦૦ જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે. ગામના પૂર્વ સરપંચ ભૂરાભાઇ જણાવે છેકે, ગામની મહિલાઓ કૂવા ઉલેચવા મજબૂર છે.
વડગામના સૂકા તળાવ પર જેસીબીથી ખાડો ખોદતા વજુભાઈ કવાભાઇએ જણાવ્યું કે, વર્ષોથી અમારા ગામનું તળાવ શિયાળામાં જ ખાલી થઈ જાય છે અને ઉનાળામા પશુઓ માટે પાણીની ઘણી તકલીફ પડે છે એટલે અમો આ જેસીબીથી ખાડો ખોદીયે છીએ જેમાંથી બે દિવસ સુધી ચાલે એટલુ પાણી ભરાય છે પછી બીજા ખાડો ખોદીશુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



