દેશની સામાન્ય પ્રજાને તેમના અધિકારો અપાવવાની સાથે સાથે તેમને માનવ અધિકારો પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે, તેમ આજે પોલીસ અકાદમી, કરાઇ ખાતે માનવ અધિકારોને લગતા કેસોના નિકાલના કેમ્પ અને ઓપન હીયરીંગના બે દિવસીય કાર્યક્રમનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરપર્સન એચ.એલ.દત્તુએ જણાવ્યું હતું.
ચેરપર્સન દત્તુએ કહ્યું હતું કે, આજે ગુજરાત સહિત દીવ-દમણ અને દાદરા નગર હવેલીના પ્રજાજનોની માનવ અધિકારને લગતી અરજીઓ સ્વીકારીને ત્વરીત તેનો ઉકેલ લાવવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન માનવ અધિકારને સ્પર્શતી મહત્તમ અરજીઓનો નિકાલ કરી અને અરજીકર્તાઓને ન્યાય આપવાનો પુરતો પ્રયાસ કરવામાં આવશે. દેશ અને રાજ્યના કોઇ વિસ્તારમાં માનવ અધિકારોનું હનન ન થાય તે માટે માનવ અધિકાર આયોગ સતત કાર્યરત છે. તમામને સામાજિક અને આર્થિક ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા છે. આજે આ કેમ્પના આયોજનથી માનવ અધિકાર સંબંધે પોતાના પ્રશ્નો રજૂ કરવાની સામાન્ય પ્રજાને તક મળશે, તેમ પણ દત્તુએ ઉમેર્યું હતું.
બાળકો, મહિલાઓ, દિવ્યાંગો, વૃદ્ધો તેમજ સમાજના જરૂરતમંદ લોકોને તેમના માનવ અધિકારો અપાવવા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય-કેન્દ્ર સહિતના તમામ વિભાગો-એજન્સીઓએ સાથે મળીને સંકલિત રીતે કાર્ય કરવું પડશે. માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા શાળા-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ માધ્યમોનો સહયોગ પણ જરૂરી છે, તેમ ચેરપર્સન દત્તુએ કહ્યું હતું.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મહાસચિવ અંબુજ શર્માએ તા.૨૬ અને ૨૭ એપ્રિલ દરમિયાન યોજાનાર બે દિવસીય કાર્યક્રમની રૂપરેખા આપતાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પ્રશ્નોના નિરાકરણ તેમજ શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો તેમના માનવ અધિકાર પ્રત્યે સભાન બને-જાગૃત બને તે માટે સતત પ્રયત્નશીલ છે. માનવ અધિકારોની જાગૃતિ માટે કેન્દ્રના my gov પોર્ટલ પર ઓન લાઇન પ્લેજ પર ૫૫ હજારથી વધુ લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ અભિયાનમાં તમામ સરકારી વિભાગોને જોડાવવા પણ તેમણે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.
મુખ્યસચિવ ડૉ.જે.એન.સિંઘે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, માનવ અધિકારના પ્રશ્નો અંગેના કેમ્પમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના વડાની ઉપસ્થિતિ અને રાજ્યના વિવિધ વિભાગોના હકારાત્મક પ્રયાસોથી ગુજરાત સહિત દીવ, દમણ અને દાદરા-નગર હવેલીના પ્રજાજનોના પ્રશ્નો ઝડપી અને પારદર્શી રીતે ઉકેલી શકાશે. આજના આ મંચના માધ્યમથી લોકો તેમના માનવ અધિકાર અંગેની રજૂઆત યોગ્ય અધિકારી સમક્ષ કરીને ન્યાય મેળવી શકશે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના રજિસ્ટ્રાર(લૉ) સુરજિત દેએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના જસ્ટિસ પી.સી.ઘોષ, જસ્ટિસ મુરુગેશન, સભ્ય મતી જ્યોતિકા કાલરા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, વિવિધ વિભાગોના સચિવઓ, જિલ્લા કલેકટરઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ સહિત મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








