સુરત,તા.૨૧
દુધના ભાવમાં બે રૂપિયાનો વધારો થતાં જ ચાનું વેચાણ કરતાં લારી – દુકાનમાં કટીંગ ચાના ભાવમાં સીધો બે રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. સવારે દૂધના ભાવ વધ્યા તે સમાચારનો ઝાટકો ચાના રસિકોને ત્યારે લાગ્યો જ્યારે લારી પર કટીંગ ચાના આઠ રૂપિયાના બદલે ૧૦ રૂપિયા માગવામાં આવ્યા. ચાનું વેચાણ કરનારા કહે છે, પહેલાં ભાવ વધ્યા ત્યારે જ મોટા ભાગનાએ કટીંગ ચાના દસ રૂપિયા કરી દીધા હતા, પરંતુ અમે ઘરાકોને સાચવાવ માટે આઠ રૂપિયા જ રાખ્યા હતા. પરંતુ હવે દુધના ભાવમાં લીટરે બે રૂપિયા વધ્યા એટલે અમારે ના છુટકે ચાના ભાવમાં વધારો કરવો પડયો છે.
દુધમાં ભાવ વધારાની સાથે જ સુરતમાં ચાની ચુસ્કી ભાવ વધારાના કારણે કડવી બની રહી છે ત્યારે સુરત મુંબઈ હાઈવે પર આવેલા ગામડાંઓની લારીઓ પર ચા આજે પણ પાંચ રૂપિયા કટીંગના ભાવે જ વેચાઈ રહી છે.
સુરતના ચાનું વેચાણ કરતા લારીવાળાઓ દુધ, ખાંડ અને ચાના ભાવમાં વધારાની વાત સાથે ચાના ભાવમાં વધારો કરી રહ્યાં છે. તેની સાથે હાઈવેના અનેક ગામડાંઓની ચાની લારી ચલાવતા લોકો હજી પણ કટીંગ ચાના પાંચ રૂપિયા જ વસુલી રહ્યાં છે. તેના કારણે શહેરના ચાવાળાઓનો ભાવ વધારો કેટલાક લોકો વખોડી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



