કોંગ્રેસના વરિષ્ઠ નેતા-ભૂતપૂર્વ સ્પીકરે પૂર્વ મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહારો કર્યા
બેંગ્લુરુ,તા.૧૭
કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સ્પીકર કે. બી. કોલીવાડે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પર શાબ્દિક હુમલા કર્યા છે. કોલીવાડે કહ્યુ છે કે સિદ્ધારમૈયા હકીકતમાં કોંગ્રેસી નથી. કર્ણાટકના ભૂતપૂર્વ સ્પીકર કોલીવાડનો આરોપ છે કે સિદ્ધારમૈયા ખુદને કોંગ્રેસ પાર્ટીના બોસ સમજે છે. પરંતુ તેમના કારણે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે.
સિદ્ધારમૈયાના દુર્વ્યવહારને કારણે આજે કર્ણાટકમાં કોંગ્રેસ જીતથી આટલી દૂર પહોંચી ગઈ છે. સિદ્ધારમૈયા માટે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આવો જ અભિપ્રાય ધરાવતા હોવાનું જણાવીને કોલીવાડે કહ્યુ છે કે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનથી કોંગ્રેસના અન્ય નેતાઓ ડરતા હોવાથી તેમના વિશે કંઈપણ બોલતા નથી.
કોવીવાડે એમ પણ કહ્યુ છે કે રોનેબેનૂર બેઠક પર તેમની હાર પાછળ સિદ્ધારમૈયાની ભૂમિકા છે.. તેમણે કહ્યુ કે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારને સિદ્ધારમૈયાએ ઉભા રખાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે કોલીવાડ રોનેબેનૂર બેઠક પરથી અપક્ષ ઉમેદવારથી લગભગ છ હજાર વોટથી હારી ગયા હતા. કોલીવાડે કર્ણાટકમાં કોંગ્રેસની કમાન ડી. કે. શિવકુમાર અથવા ડા. જી. પરમેશ્વરને જવાબદારી સોંપવાનું સૂચન પણ કર્યું છે. કોલીવાડના નિવેદનને કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેના ખટરાગના સંકેત માનવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





