આ દરખાસ્ત અમલી બનતા મુંબઈમાં કાર દિલ્હી કરતા સસ્તી મળશે
મુંબઈ,તા.૨૭
ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ‘વન નેશન વન ટેક્સ’ની દરખાસ્ત હેઠળ બાર ટકાનો સૌથી ઊંચો રોડ ટેક્સનું સૂચન કર્યું હોવાથી પાટનગર દિલ્હીમાં વાહનો ખરીદવાનું મોંઘુ પડશે. કેન્દ્ર સરકારે વાહનોની કિંમતને ધ્યાનમાં લઈને ત્રણ પ્રકારના ટેક્સ બ્રેકેટ નિશ્રિ્ચત કર્યા છે. દસ લાખથી ઓછી કિંમતના વાહનો પર આઠ ટકા, રૂ. દસ અને ર૦ લાખની વચ્ચેની કિંમત ધરાવતા વાહનો પર દસ ટકા અને ર૦ લાખથી વધુની કિંમતના વાહનો પર બાર ટકા રોડ ટેક્સ સૂચવ્યો છે.
એપ્રિલમાં ટ્રાન્સપોર્ટના પ્રધાનોના ગ્રુપે લોકો કરચોરી ન કરે એ માટે તમામ રાજ્યોમાં સમાન રોડ ટેક્સ રાખવાનું સૂચવ્યું હતું. આ પ્રકારે યુનિફોર્મ કે સમાન ટેક્સ રૅટ રાખવાથી લોકો ઓછો રોડ ટેક્સ ધરાવતા રાજ્યોમાં વાહનનું રજિસ્ટ્રેશન કરતાં બંધ થઈ જશે. કરચોરી કરવાના આશયથી ઘણા લોકો આ રીતે ઓછા ટેક્સ ધરાવતા રાજ્યમાં વાહનનું રજિસ્ટ્રેશન કરાવીને પોતાના રાજ્યમાં વાહન લઈ જતા હતા. એવું રોડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. હાલ દિલ્હીમાં બે પેસેન્જરને લઈ જતા કમર્શિયલ વાહનના ડ્રાઈવર દ્વારા વર્ષે રૂ. ૩૦૫ ચૂકવાય છે. જ્યારે ૧૮થી વધુ જણને લઈ જતા કમર્શિયલ વેહિકલ ડ્રાઈવર દ્વારા વર્ષે રૂ. ૧૮૫૦ (આ ઉપરાંત ૧૮ વર્ષથી મોટી વયના માટે રૂ. ર૮૦) ચૂકવવામાં આવે છે.
દસ ટનથી વધુ માલની ક્ષમતા ધરાવતા વેહિકલ માટેનો વાર્ષિક રૅટ રૂ. ૩૭૯૦ (પ્લસ દસથી વધુ ટન માટે ટન દીઠ રૂ. ૪૭૦) છે અને એક ટનથી ઓછી ક્ષમતા ધરાવતા કમર્શિયલ વેહિકલ માટેનો વાર્ષિક રૅટ રૂ. ૬૬પ છે.
દિલ્હીમાં રૂ. છ લાખથી ઓછી કિંમતની પ્રાઈવેટ પેટ્રોલ કારનો રોડ ટેક્સ ચાર ટકા છે જ્યારે ડીઝલ કારનો રોડ ટેક્સ વાર્ષિક પાંચ ટકા છે. રૂ. છથી દસ લાખની વચ્ચેની કિંમત ધરાવતી પેટ્રોલ કારનો ટેક્સ સાત ટકા અને ડીઝલ કારનો રોડ ટેક્સ ૮.૭૫ ટકા છે. પાટનગરમાં રૂ. દસ લાખથી વધુ કિંમતની કાર (પેટ્રોલ)નો રોડ ટેક્સ દસ ટકા અને ડીઝલ કારનો રોડ ટેક્સ ૧૨.પ ટકા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





