ન્યુ દિલ્હી,તા.૨૯
પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો મામલે અમેરિકા દ્વારા ઈરાન પર પ્રતિબંધ લગાવાયા છે. આના સંદર્ભે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સ્પષ્ટતા કરી છે કે ભારત સંયુક્ત રાષ્ટના પ્રતિબંધોને માને છે. કોઈ દેશના પ્રતિબંધોને નહીં. સુષ્મા સ્વરાજે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે ઈરાન સાથેના ભારતના સંબંધો કોઈ ખાસ દેશની સાથેના સંબંધો પર આધારીત નથી.
મહત્વપૂર્ણ છે કે પરમાણુ કરારમાંથી બહાર નીકળ્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. તો અમેરિકાની સાથેની દ્વિપક્ષીય સંબંધોની ઘનિષ્ઠતા અને ઈરાન સાથેના પરંપરાગત મજબૂત દ્વિપક્ષીય સંબંધો વચ્ચે સંતુલન ભારતની વિદેશ નીતિ માટે હવે મોટો પડકાર સાબિત થવાનો છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર ભારતની વિદેશ નીતિ પર પડવાની સંભાવનાઓ છે. આના સંદર્ભે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યુ છે કે ભારત યુએનના પ્રતિબંધોને માને છે અને તેનું પાલન પણ કરે છે. પરંતુ કોઈ ખાસ દેશ દ્વારા લગાવાયેલા પ્રતિબંધોને માનવા માટે બાધ્ય નથી.
મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ફાઈવ પ્લસ વન દેશોના પરમાણુ કરારથી અલગ થવાનું એલાન મે માસમાં જ કર્યું છે. ૨૦૧૫ના પરમાણુ કરાર પહેલા ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાની વાત અમેરિકા દ્વારા કરવામાં આવી છે. આમા ભારત માટે ધર્મસંકટની સ્થિતિ પેદા થઈ ચુકી છે.
ઈરાન ભારતમાં ખનીજતેલની આયાતનો ત્રીજા મોટો સ્ત્રોત છે. ભારત દ્વારા ઈરાનના ચાબહાર પોર્ટમાં પણ રોકાણ થઈ રહ્યુ છે. મધ્ય એશિયાના વ્યૂહાત્મક સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ ઈરાનના ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો અતિમહત્વપૂર્ણ છે. ચાબહાર પોર્ટ દ્વારા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે ભારત જોડાશે અને પાકિસ્તાનમાં થઈને પસાર થવાની જરૂરત રહેશે નહીં.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





