ન્યુ દિલ્હી,તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે નવમી જૂને ફરી એકવાર ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. એસસીઓની શિખર બેઠક સિવાય વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટપ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. ૨૦૧૭માં કજાકિસ્તાનના શહેર અસ્તાનામાં એસસીઓમાં કાયમી સદસ્યતા મળ્યા બાદ ભારત આમાં પહેલીવાર સામેલ થઈ રહ્યુ છે.
શાંઘાઈ-કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના શિખર સંમેલનમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ગંભીરતાથી ચર્ચાવિચારણા હાથ ધરાવાની છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ સિંગાપુર ખાતેના શાંગરી-લા ડાયલોગમાં કહ્યુ હતુ કે ભારત અને ચીન ભરોસા સાથે મળીને કામ કરશે. ત્યારે એશિયા અને વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ એપ્રિલમાં ચીનના રાષ્ટપ્રમુખ શી જિનપિંગ સાથે વુહાન ખાતે બે દિવસીય અનૌપચારીક મુલાકાત કરી હતી. બે માસથી પણ ઓછા સમયમાં મોદી અને જિનપિંગ ફરી એકવાર એકબીજાની સાથે મુલાકાત કરવાના છે. એસસીઓની બેઠકમાં પર્યવેક્ષક દેશ તરીકે ઈરાન પણ સામેલ થઈ રહ્યુ છે. અમેરિકા દ્વારા ઈરાન સાથેના પરમાણુ કરારને તોડયા બાદ પહેલીવાર ઈરાન કોઈ વૈશ્વિક સંમેલનમાં ભાગ લઈ રહ્યુ છે.
માનવામાં આવે છે કે રશિયા અને ચીન ઈરાન સાથેના પરમાણુ કરારને બચાવવાની કોશિશમાં લાગેલા છે. ભારત પણ ઈરાનનું એક મોટું સહયોગી છે. જેને કારણે આ સંમેલનનું મહત્વ વધી ગયું છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






