ભારતમાં ૪.૬૬ કરોડ બાળકોને પુરતો આહાર મળતો નથી
ભારતમાં ૪.૬૬ કરોડથી પણ વધુ બાળક કુપોષણ પીડિત, નાઈજિરિયા ૧.૩૯ કરોડ અને પાક.માં ૧.૭ કરોડ બાળક સાથે બીજા અને ત્રીજા નંબરે
ન્યુ દિલ્હી,તા.૩૦
કુપોષણથી પીડાતા વિશ્વના ત્રીજા ભાગના બાળકો ભારતમાં વસે છે. ભારતમાં ૪.૬૬ કરોડથી પણ વધુ બાળકને પોષણયુક્ત ખોરાક મળતો નથી. આ આંકડા સાથે કુપોષણથી પીડાતા બાળકોમાં ભારત દુનિયામાં પહેલા ક્રમે છે. એ પછી ૧.૩૯ કરોડ બાળક સાથે નાઈજિરિયા અને ૧.૭ કરોડ બાળક સાથે પાકિસ્તાન અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
ભારતમાં કરોડો બાળકોને પાંચ વર્ષ સુધી પૂરતું પોષણ નહીં મળતું હોવાથી ઓછું વજન અને ઓછી ઊંચાઈ જેવી મુશ્કેલીથી પણ પીડાઈ રહ્યા છે. ચાલુ વર્ષે ભારતમાં ૨.૫૫ કરોડ બાળક આ પ્રકારની મુશ્કેલીનો ભોગ બની ગયા છે. એ પછી ૩૪ લાખ બાળક સાથે નાઈજિરિયા અને ૩૩ લાખ બાળક સાથે ઈન્ડોનેશિયાનો અનુક્રમે બીજા અને ત્રીજા નંબર આવે છે. પોષણયુક્ત ખોરાકના અભાવે ઓછા વજન-ઊંચાઈથી પીડાતા બાળકોનો આંકડો ભારતમાં બીજા અને ત્રીજા નંબરના દેશ કરતા ખૂબ જ ઊંચો છે.
વિશ્વમાં પોષણના અભાવે ઓછા વજન-ઊંચાઈથી પીડાતા અડધાથી પણ વધુ, એટલે કે આશરે ૨.૬૯ કરોડ બાળક, ફક્ત એશિયામાં છે. એકલા ભારતમાં જ આવા ૩૧ ટકા બાળક છે. એ પછી ૧.૭ કરોડ બાળક સાથે પાકિસ્તાનનો નંબર આવે છે. સમગ્ર વિશ્વમાં કુપોષણના કારણે ઓછું વજન-ઊંચાઈથી પીડાતા ૧૫.૮ કરોડ બાળક છે, જેમાં પાંચ વર્ષથી નાની વયના ૫.૫ કરોડ બાળકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જરૃરિયાત કરતા વધુ વજન ધરાવતા બાળકોમાં પણ ભારત અગ્રેસર છે. આ પ્રકારના દેશોમાં ચીન, ઈન્ડોનેશિયા, ઈજિપ્ત, અમેરિકા, બ્રાઝિલ અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. વિશ્વના ચાર જ દેશમાં પાંચમા ભાગના બાળક જરૃરિયાત કરતા વધુ વજન ધરાવે છે, જેમાં યુક્રેન, અલ્બેનિયા, લીબિયા અને મોન્ટેનેગ્રોનો સમાવેશ થાય છે. આ પ્રકારની મુશ્કેલીથી અપર મિડલ આવક ધરાવતા દેશો વધુ પીડાઈ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




