મોદીજી ખેડૂતોને રોકડ રૂપિયાના ડૂંડા પકડાવીને મત ખંખેરવાની ફિરાકમાં

0
5

થર્ટી ફર્સ્ટની રાતે પાર્ટીમાં ‘પીણાં’ પીને હલકા હલકા સુરુર સાથે ડાન્સ કર્યા પછી બીજે દિવસે નવા વર્ષના પ્રથમ દિવસે હેન્ગઆૅવર ઊતરી જતી એવી વાત કરવી ગમે નહીં. જબ રાત હૈ ઐસી મતવાલી તો સુબહ કા આલમ કિયા હોગા. પરંતુ હકીકત એ છે કે ત્રણ રાજ્યોમાં પરાજિત ભાજપ અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ થઈ ગઈ છે. એમનો ‘સત્તાનો નશો’ ઊતરી રહ્યો છે. લોકસભાની ચૂંટણી ઢુકડી છે ત્યારે ‘રાજપાટ’ જતા રહેશે તો શું થશે એવી ચિંતા તેમને કોરી ખાઈ રહી છે. મોદીને જીતવું છે કોઈપણ ભોગે. હવે એમની નજર સામે હળ લઈને ઊભેલા દુબળા પાતળા ખેડૂતો દેખાવા લાગ્યા છે. એમની દુર્દશાની એમને ચિંતા થાય છે. વડા પ્રધાન મોદી જગતના તાત ખુશખુશાલ થઈ જાય એવી ‘ગિફ્ટ’ લાવશે. મોદી સરકાર ખેડૂતોને માસિક રોકડની લહાણી કરવા માગે છે. રોકડાની લહાણીથી ખેડૂતો ખુશ થઈ જશે અને ગાડા ભરી ભરીને ભાજપને મત મળશે. મોદીનો બેડો પાર થઈ જશે, પરંતુ મધ્યમ વર્ગનો ખો નીકળી જશે, દેશના અર્થતંત્રની ઘોર ખોદાઈ જશે. મોદીજી ખેડૂતોને રોકડ રૂપિયાના ડૂંડા પકડાવીને દાણારૂપી મત ખંખેરી લેવાના ફિરાકમાં છે. મોદીજી જે યોજના વિચારે છે એ આંકડો જાણીને તમારી આંખોના ડોળા ફાટી જશે. રૂ. ૬૦,૦૦૦ કરોડનો ફટકો સરકારી તિજારીને પડશે, એવું અર્થતંત્રના નિષ્ણાતોનું કહેવું છે.
આમેય સામાન્ય મધ્યમ વર્ગના લોકો એવું માનતા હોય કે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને નાણાં પ્રધાન જેટલી ઢગલાબંધ રાહતો આપશે તો તમે ભૂલ ખાઓ છો. સામાન્ય લોકોને એક ફદિયાનો લાભ થવાનો નથી. ઊલટું, મોંઘવારી મોઢું ફાડીને કોળિયો કરી જવા ઊભી હશે. કદાચ ચગળવા માટે નાનકડી લોલીપોપ પકડાવી દેવાય તો તમારી જાતને ધન્ય નહીં સમજતા. મોદીજીની માસિક રોકડની સહાયનો લાભ ૧૫૦ મિલ્યન ખેડૂતોને મળશે. આ ખેડૂતો ચૂંટણી પરિણામોને જીતમાં ફેરવવાની તાકાત ધરાવનાર હોવાની વિચારધારા ભાજપને દિમાગમાં સળવળી રહી છે.
યાદ છે ગયા જુલાઈમાં સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચના ૫૦ ટકાથી વધુ નાણાં મળી રહે એ માટે કપાસ, સોયાબિન તથા ડાંગર જેવા પાકના ટેકાના ભાવ વધાર્યા હતા. પરંતુ એ સ્કીમ મહદ્‌અંશે નિષ્ફળ ગઈ હતી. હવે સરકાર રાજ્ય દ્વારા નિશ્રિ્‌ચત કરાયેલા ભાવથી ઓછા ભાવમાં ખેડૂતોનો માલ વેંચાય તો તેમને કૅશ આપવાની યોજના ઘડી રહી છે.
ખેડૂતોની મદદ કરવા માટેનો સરકારનો અન્ય એક વિચાર ફ્રી યોજના પાક વીમા યોજનામાં ધરમૂળથી ફેરફાર કરવાનો છે.
આ યોજનામાં ખેડૂતોના વીમાના પ્રીમિયમની રકમમાં ઘટાડો થવાની સંભાવના છે. ખેડૂતોના વધુ પાકોને રાજ્ય દ્વારા મોટા લાભ મળે એવું પણ વિચારશે. ખેતમજૂરોને વીમા કવર હેઠળ આવરી લેવાનો પણ આ નવી સુધારિત યોજનામાં સમાવેશ હશે.
ટૂંકમાં સરકાર હાલ ખેડૂતોને ખેરાત કરવા જે કંઈ પણ કરી રહી છે એમાં અર્થતંત્ર નામની ક્ધયાના કેડ પર ભાર આવશે. પાઘડીનો વળ છેલ્લે છે. સરકાર ખેડૂતોને બેહાલીમાંથી બહાર લાવવા માગતી હતી તો તેણે પહેલેથી જ એમના માટે તબક્કાવાર યોજનાઓ ઘડી કાઢવાની જરૂર હતી. હવે જ્યારે ચૂંટણીમાં પોતાની હાલત બગડશે એવા ભયના ઓથાર હેઠળ આ પ્રકારના ઊભડકિયા ઉતાવળિયા પગલાં કે યોજનઓ દેશના અર્થતંત્રની કમર તોડી નાખશે. મધ્યમ વર્ગ ઘંટીના બે પડ વચ્ચે અનાજના દાણાની જેમ પીસાઈ રહ્યો છે ત્યારે મોદીજી જગતના તાત લોકોને ખેરાત કરવા નીકળ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના મત લણી લેવાની લ્હાયમાં મધ્યમ વર્ગની ખફગી વહોરવી ન પડે અને એમના મતથી વંચિત રહેવાનો વારો ન આવે એટલું મોદીજીએ ધ્યાન રાખવું પડશે. નહીંતર ગોફણની સાથે ગોળો પણ ગયો એવો ઘાટ સર્જાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY