અમદાવાદ,તા.૧
કરાઇ એકેડમીમાં પીએસઆઈ તરીકેની તાલીમ લઇ રહેલા દેવેન્દ્રસિંહ રાઠોડે સોમવારે બપોરે પોતાના ઘરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. તેમની પાસેથી ત્રણ પાનની એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે પોતે કરાઈ એકેડેમીના મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી) એન. પી. પટેલ શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાથી કંટાળીને આપઘાત કરી રહ્યો છું. આજે પરિવારને જ્યારે પીએસઆઈનો મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તેમણે મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો. પરિવારે પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યુ છે કે, ‘પોલીસ અમને સ્યુસાઇડ નોટ આપતી નથી અને આ કેસ દબાવી રહી છે. આ મામલામાં યોગ્ય તપાસ પણ નથી થઇ રહી.’
અમારી ટીમે જ્યારે તેમના ભાઇ સાથે આ અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યુ કે, ‘મારા ભાઇએ જેની પર આક્ષેપ કર્યા છે તેનાથી તે એકલો જ નહીં અન્ય ઘણાં પણ પીડાઇ રહ્યાં છે. તેની સામે મોટા અધિકારીઓ તપાસ કરે. અમારા ઘરમાં તે એકલો જ કમાતો હતો અને તેની એક દીકરી પણ છે એટલે મારી માંગણી છે કે મારા ભાભીને નોકરી આપવામાં આવે.’
તેમના અન્ય પરિવારજન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ‘અમને જ્યાં સુધી પોલીસ સુસાઇડ નોટ નહીં આપે, દેવેન્દ્રસિંહની પત્ની ડિમ્પલને સરકારી નોકરી નહીં આપે અને આ તંત્રમાંથી નહીં પરંતુ કોઇ બહારથી વિશ્વાસપાત્ર તપાસ કરાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ.’
ડીવાયએસપી એન.પી. પટેલ ત્રાસ આપતા હોવાની કોઈ ફરિયાદ આજ સુધી મને મળી નથી. હું છ મહિનાની રજા પર છું. હાલ ચાર્જ આઈજીપી શશિકાંત ત્રિવેદી સંભાળે છે. તેમને આવી ફરિયાદ મળી હોય તો તેમને પૂછી શકો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



