અમદાવાદ,તા.૧૧
એક સમયે દેશભરમાં પ્રતિષ્ઠા ધરાવતી અને શહેરની લાલ બસ તરીકે ઓળખાતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) ખાનગીકરણના રવાડે ચડીને વિજય માલ્યાની જેમ ગમે ત્યારે નાદારી નોંધાવે તેવી કંગાળ હાલતમાં મુકાઈ ગઈ છે. એએમટીએસ સંસ્થાના શાસકોની સૂઝબૂઝના અભાવે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દેવાંનો ડુંગર પિરાણા ખાતેના કચરાના ડુંગર કરતાં પણ વધુ મહાકાય તેમજ બિહામણો બન્યો છે. ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ની તારીખમાં એએમટીએસના માથે અત્યાર સુધીનું તંત્રનું કુલ રૂ. ૨૬૯૧ કરોડ એટલે કે ૨૬ અબજ ૯૧ કરોડનું દેવું ચઢ્યું છે એટલે કે એએમટીએસ બસનાં ટાયર તો શું પણ સ્ટિયરિંગ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવામાં ડૂબેલાં છે.
તાજેતરમાં એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ.૪૮૮.૦૮ કરોડનું બજેટ મંજૂર કરાવાયું હતું. આ બજેટમાં શાસકોએ સંસ્થાની માલિકીની ૧૩૫ બસ પૈકી રોડ પર માંડ ૯૫ બસ દોડતી હોઈ પ્રાઈવેટ ઓપરેટરોની ૬૦૬ બસનું નિયમિત સંચાલન કરવાની બાબત પર ભાર મૂકીને નાગરિકોને ચોંકાવ્યા હતા. જે સંસ્થાની વહીવટી કુશળતાની સુવાસ સમગ્ર ભારતમાં પ્રસરી હતી તે સંસ્થાના કર્તાહર્તાઓને જાહેરમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપતા જાઈને સંસ્થાના કર્મઠ કર્મચારીઓનું માથું શરમથી ઝૂકી ગયું હતું.
જા કે વર્ષ ૨૦૦૬-૦૭થી પ્રાઈવેટ ઓપરેટરોનો એએમટીએસમાં પ્રવેશ થતાં સંસ્થા કફોડી સ્થિતિમાં મુકાતી જતાં આજે સંસ્થામાં પ્રાઈવેટ ઓપરેટરોની જ બોલબાલા છે, દર વર્ષે પ્રાઇવેટ ઓપરેટરોને તેમની બસ ચલાવવા માટે રૂ.૧૬૦ કરોડ ચૂકવાઇ રહ્યા છે, તેમ છતાં આવક ખાસ થતી નથી, જેના પરિણામે લોનની રકમ પણ વર્ષે-દર વર્ષે જંગી થતી ગઈ અને આજે રૂ. ૩૫૦ કરોડથી વધુ લોન મ્યુનિસિપલ તંત્ર દ્વારા એએમટીએસને ચલાવવા અપાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



