અમદાવાદ,તા.૧
અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓને સામાન્ય મુદ્દે શિક્ષકો દ્વારા માર મારવાના બનાવોમાં વધારો થયો છે દરમિયાન શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જય સોમનાથ સ્કુલમાં શિક્ષકની ગેર હાજરીમાં વાતો કરતા વિદ્યાર્થીને સુપરવાઈઝરે માર મારતા આખી ઘટના પોલીસ મથક પહોંચી છે. તેમજ સુપરવાઈઝરની આ હરકતથી વાલીઓમાં પણ રોષ ફેલાયો છે અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ખોખરા વિસ્તારમાં આવેલી જાણીતી સોમનાથ સ્કુલમાં યશ નામનો વિદ્યાર્થી ધો-૬માં અભ્યાસ કરે છે. યશને લોહીમાં પરુ જતું હોવાથી બે મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ ગત ૧૯મી નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેથી ઘરે થોડા દિવસ આરામ કર્યા બાદ ફરીથી સ્કુલ જવાનું ચાલુ કર્યું હતું.
શિક્ષકની ગેરહાજરીમાં કલાસરૂમમાં ધો-૬ના વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. યશ પણ ઘણા દિવસો બાદ સ્કુલમાં મિત્રોને મળ્યો હોવાથી તેમની સાથે હસીમજાક કરી રહ્યો હતો. દરમિયાન ક્લાસરૂમમાં સુપરવાઈઝર આવી ગયા હતા. જેથી વિદ્યાર્થીઓએ વાતો કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ યશને સુપપરવાઈઝરે ઝડપી લીધો હતો.
સુપરવાઈઝરે કલાસરૂમની વચ્ચે જ યશને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. તેમના મારથી વિદ્યાર્થીને પેન્ટમાં જ લઘુશંકા પણ થઈ ગઈ હતી. ઘરે જઈને ડરી ગયેલા યશે સસુપરવાઈઝરે માર માર્યો હોવાની જાણ કરી હતી. જેથી વાલીઓએ સ્કુલમાં હંગામો મચાવ્યો હતો. તેમજ સમગ્ર ઘટના પોલીસ મથક પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. સુપરવાઈઝરની આ હરકતથી શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



