અમદાવાદ,તા.૧૫
ગુજરાતની એક દિવસીય મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ શુક્રવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ ઓ. પી. કોહલી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘ, ડી.જી.પી.શ્રી શિવાનંદ ઝા, અમદાવાદ કલેક્ટરશ્રી ડો. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે. સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ મહામહિમ રામનાથ કોવિંદ ગ્રામભારતી સંસ્થામાં ઉપસ્થિત નવ સંશોધકોની સાથે સીધો સંવાદ કર્યો એટલુ જ નહીં પ્રદર્શનની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કર્યા.
આ પ્રદર્શનમાં ગ્રામક્ષેત્રના રોજીંદા જીવનની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ હોય તેવા સંશોધનો પ્રદર્શિત કરવામાં આવ્યા. ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્ર વચ્ચે સેતુનુ કાર્ય કરતા આ પ્રદર્શનથી ગ્રામીણ સંશોધકોને પ્રોત્સાહન મળવાની સાથે તેમના સંશોધનનો વ્યાપક લાભ દેશને પણ મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




