રાજીવ સાતવે ગુજરાતમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કર્યો
અમદાવાદ,તા.૫
લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ૧૦ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. હવે તેઓ દરેક બેઠક દીઠ નિરીક્ષણ કરશે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ખુદ બે ત્રણ બેઠકો પર કકળાટ હોવાનો સ્વીકાર કર્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં રાજીવે જણાવ્યું હતું કે, બે ત્રણ જગ્યાએ તકલીફ છે, પરંતુ તે કોઇ મોટી પ્રોબ્લેમ નથી. અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું. બીજી બાજુ કોંગ્રેસે ઓબીસી, પાટીદારોને ટિકિટ આપવા અંગે સાતવને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું હતું કે, અમે એક વર્ષ સુધી ઉમેદવારો અંગે અભ્યાસ કર્યો છે. ત્યારબાદ અમે આ નિર્ણય પર આવ્યા છીએ. આ વખતે કોંગ્રેસે ગુજરાતમાં જીતી શકે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે.
સાતવે જણાવ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં હકીકતલક્ષી વાત કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસના મેનિફેસ્ટોને ‘અમે નિભાવીશું’ના નામથી જાહેર કરવામાં આવ્યો છે. સાતવે મેનિફેસ્ટોની વાત કરતા જણાવ્યું હતું કે, જા અમારી સરકાર કેન્દ્રમાં બની તો અમે ગરીબોને વર્ષે રૂપિયા ૭૨ હજાર આપીશું. ‘ગુજરાતના ૪૦ લાખ બીપીએલ પરિવારોને પણ સહાય આપવામાં આવશે. યુવાનોને રોજગારી આપવાનો અમે સંકલ્પ કરીએ છીએ. રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ નીચે ઉતારવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે.
સાતવે કહ્યું કે, મેનિફેસ્ટોમાં કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. જા અમારી સરકાર બની તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. શિક્ષણને લઇને વાત કરતા રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ધો.૧થી ૧૨ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણની જેમ આરોગ્ય અંગે પણ અલગ કાયદો બનાવીશું. દેશના તમામ લોકોને મફત આરોગ્ય સેવા મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
સાતવે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાત પાસે ઘણી અપેક્ષા છે. ‘ગુજરાત કોંગ્રેસ સાથે રહ્યું છે અને આગળ પણ રહેશે’ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતમાં ૧૩થી વધારે બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજીવ સાતવે કહ્યું,“અમે ચૂંટણીમાં ગુજરાતમાંથી આશ્ચર્ય જનક પરિણામો લાવીશું. ગુજરાતની જનતા અમારી પાસે અપેક્ષા રાખીને બેઠી છે, હું પ્રભારી બન્યો ત્યારથી સતત કહેતો આવ્યો છું કે ગુજરાત દેશને આશ્ચર્ય જનક પરિણામ આપશે.”
રાજીવ સાતવે અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ ચૂંટણી સમયે નોન ઈસ્યુ પર ચર્ચા કરે છે. મૂળ મુદ્દે ચર્ચા ન કરવી એ ભાજપાની રણનીતિ છે. પરંતુ ‘દેશ અને ગુજરાતના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



