૧૦ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં જીતી ટેસ્ટ, ૪-મેચોની સીરિઝમાં ભારત ૧-૦થી આગળ
પૂજારા ‘મેન ઓફ ધ મેચ’, બૂમરાહ-અશ્વિન-શમીની ૩-૩ વિકેટ, બીજી મેચ ૧૪ ડિસેમ્બરથી પર્થમાં રમાશે
એડિલેડ,તા.૧૦
એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૧ રને હરાવ્યું હતું. આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી આગળ છે. ભારતે ૧૦ વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં કોઇ ટેસ્ટ મેચ જીત્યો છે. અંતિમ વખત ભારત ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટમાં જીત્યું હતું. એડિલેડ ઓવલની વાત કરીએ તો ભારત ૧૫ વર્ષ બાદ અહી જીત્યુ છે. અંતિમ વખત એડિલેડમાં ભારત ૨૦૦૩માં જીત્યુ હતું. જ્યારે દ્રવિડે ભારતને ૪ વિકેટથી યાદગાર જીત અપાવી હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત પ્રથમ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન જમીન ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ૪૫ ટેસ્ટ મેચોમાં ભારતને આ છઠ્ઠો વિજય હાંસલ થયો છે. આ મેચમાં કાગારુઓએ ભારતને પહેલી ઇનિંગમાં ૨૫૦ રને ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં ૨૩૫ રને ઓલઆઉટ કરીને ૧૫ રનની લીડ હાંસલ કરી હતી.
બીજી ઇનિંગમાં ભારતે ૩૦૭ રન ફટકાર્યા અને ઓસ્ટ્રેલિયાને ૩૨૩ રનનું ટારગેટ આપ્યું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૨૯૧ રન ઉપર જ ઓલઆઉટ થઇ જતાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો.
પૂંછડિયાઓ – પેટ કમિન્સ (૨૮), મિચેલ સ્ટાર્ક (૨૮), નેથન લિયોન (અણનમ ૩૮) અને જાશ હેઝલવૂડ (૧૩)એ બોલરોને લડત આપી હતી અને ભારતને જીત મેળવવા માટે રાહ જાવડાવી હતી. લિયોન અને હેઝલવૂડની જાડી ભારતને હંફાવી રહી હતી. આખરે અશ્વિને હેઝલવૂડને રાહુલ દ્વારા કેચઆઉટ કરાવીને મેચનો અંત લાવી દીધો હતો.
વિરાટ કોહલી પ્રથમ એશિયન કેપ્ટન બન્યો છે જેને એક જ વર્ષમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીતી છે. એક મેચમાં સૌથી વધુ કેચનો રેકોર્ડ પણ બન્યો હતો. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી મેચમાં ૩૫ કેચ પકડવામાં આવ્યા હતા. આ પહેલા એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ કેચનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષે કેપટાઉનમાં રમાયેલી મેચનો હતો. જેમાં ૩૪ કેચ પકડવામાં આવ્યા હતા.
પાંચમા દિવસે ઈશાંત શર્માએ ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી હતી. તેને ૫૭મી ઓવરમાં ટ્રેવિસ હેડને અજિંક્્ય રહાણેના હાથે કેચ આઉટ કરાવ્યો. હેડે ૬૨ બોલમાં ૧૪ રન બનાવ્યાં. જે બાદ જસપ્રીત બુમરાહે ૭૩મી ઓવરની પહેલી બોલમાં શેન માર્શને પેવેલિયન પરત મોકલ્યો. માર્શે ૧૬૬ બોલમાં ૬૦ રન બનાવ્યાં. ટેસ્ટ કેરિયરમાં પહેલી વખત ચોથી ઈનિંગમાં તેને હાફ સેન્ચુરી ફટકારી. બુમરાહે ટિમ પેનને રૂષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો.
વિરાટ કોહલીએ વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટ કોહલીની વિદેશમાં આ ૫મી ટેસ્ટ જીત છે. દ્રવિડે પણ ૫ ટેસ્ટ મેચ જીતી હતી. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં પોતાના ૧૦૦૦ રન પણ પુરા કર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ એડિલેડ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ૧૨૩ રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારા બીજી ઈન્ડિયન વોલ સાબિત થયો છે. પૂજારાએ ટેસ્ટમાં પોતાના ૫ હજાર રન પુરા કર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટમાં ૧૬મી સદી ફટકારી હતી. આ સાથે જ તેને સૌથી વધુ સદી ફટકારવા મામલે સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



