અલવર,તા.૧૦
રાજસ્થાનના અલવરમાં હેવાનિયતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અલવરમાં પતિની નજર સામે મહિલા પર ગેંગરેપનો બનાવ સામે આવ્યા બાદ દુષ્કર્મનો વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. અહીં કઠૂમરમાં સરકારી હોસ્પિટલમાં ડિલીવરી રૂમમાં એક મહિલા પર સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ના ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો આ બનાવ સાતમી મેના રોજ બન્યો હતો, મહિલાએ ગુરુવારે કઠૂમર પોલીસ મથકે ફરિયાદ આપી છે.
કઠૂમર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ કુમારના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મના બે દિવસ પછી પીડિતાએ પોલીસને જાણકારી આપી હતી. લોકશરમને કારણે મહિલાએ બે દિવસ સુધી કોઈને આ વાત કરી ન હતી. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પાંચમી મેના રોજ મહિલા પોતાની ગર્ભવતી પુત્રવધૂને લઈને કઠૂમર સાર્વજનિક હોસ્પિટલ પહોંચી હતી. ડિલીવરી બાદ રજા ન મળતા મહિલા અહીં જ રોકાઈ હતી.
દુષ્કર્મ પીડિતાએ જણાવ્યું કે, ૭મી મેના રોજ ૧૦૮નો ડ્રાઇવર ડિલીવરી સંબંધિત અમુક જરૂરી કાગળો અંગે વાત કરવાના બહાને તેને ડિલીવરી રૂમમાં લઈ ગયો હતો. અહીં મોઢામાં કપટું ઠૂંસી દઈને તેણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ ડ્રાઇવર અહીંથી ફરાર થઈ ગયો હતો. કઠૂમર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




