અમદાવાદ,
રાજ્યમાં સંસ્કૃતમાં બી.એડ કરાવતી અને અમદાવાદમાં આવેલી એકમાત્ર કોલેજ બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત આ બી.એડ કોલેજમાં પ્રવેશ માટે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓએ હવે અન્ય કોલેજમાં પ્રવેશ માટે રઝળપાટ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે શિક્ષાશાસ્ત્રી એટલે કે સંસ્કૃત વિષય સાથે બી.એડ થવાની વ્યવસ્થા છે. રાજ્યમાં સંસ્કૃત સાથે બી.એડ થવા માટે વિદ્યાર્થીઓએ આ એક જ કોલેજ પર આધાર રાખવો પડે છે. સંસ્કૃતમાં બી.એડ કોલેજ હોવાથી તે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે જાડાયેલી છે. ચાલુ વર્ષે વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ માટે બે વર્ષ બી.એડ કરવા માટે યુનિવર્સિટી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. અનેક વિદ્યાર્થીઓએ આ જાહેરાતના અનુસંધાનમાં ૧૦૦ રૂપિયા ફી જમા કરાવીને ફોર્મ ભરી દીધા હતા.
મહત્વની વાત એ કે ફોર્મ ભરાયા પછી કોલેજના પ્રિન્સિપાલ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટેલિફોન કરીને એવી સૂચના આપવામાં આવી હતી કે આ બી.એડ કોલેજ બંધ થઇ ગઇ હોવાથી અન્ય કોલેજમાં પ્રવેશ મેળવી લેવો. રાજ્યની એકમાત્ર સંસ્કૃતમાં બી.એડ કરવાની વ્યવસ્થા આપતી કોલેજ બંધ થઇ જતાં આગામી દિવસોમાં સંસ્કૃત માધ્યમ અને સંસ્કૃત મહા વિદ્યાલયોને શિક્ષકો અને અધ્યાપકો જ ન મળે તેવી સ્થિતિ ઊભી થઇ છે. આશ્ચર્યની વાત એ કે કોલેજ બંધ થયાની કોઇ જાણકારી યુનિવર્સિટી સત્તાધીશો પાસે નથી. ઉલટાનું યુનિવર્સિટીએ પ્રવેશ માટે જાહેરાત આપી દીધી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



