આણંદ,તા.૨
લોકસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધી પાર્ટી પર જાત-જાતની ટિપ્પણી અને આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
આણંદ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ હતું કે, ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ વિદેશી પક્ષીઓની જેમ ગુજરાતમાં આવે છે અને ચૂંટણી પૂરી થતાં જ તેઓ ખોવાઇ જાય છે. તેમણે કોંગ્રેસની સરખામણી વિદેશી પક્ષીઓ સાથે કરી હતી.
કોંગ્રેસની સરખામણી વિદેશી પક્ષીઓ સાથે કરતાં નીતિન પટેલે થોર તળાવનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગરમીની શરૂઆત થતાં યુરોપ, રશિયા અને અમેરિકાથી વિદેશી પક્ષીઓ કડી ખાતેના થોર તળાવમાં લટાર મારવા આવે છે અને પછી વિદેશ પરત ફરે છે. એવી રીતે જ કોંગ્રેસ પાર્ટીનું પણ છે. ચૂંટણી આવતાં તેઓ વિદેશી પક્ષીઓની જેમ ગુજરાતમાં ધામા નાંખે છે અને ચૂંટણી પૂરી થતાં ખોવાઇ જાય છે.
નીતિન પટેલે કહ્યું કે, ૨૦૧૪માં મતદારોએ જે પ્રકારનું મતદાન કરી સર્જિકલ સ્ટ્રાઇક સર્જી હતી, એવી જ રીતે આ વખતે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી લોકો નરેન્દ્ર મોદીને પુનઃ વડાપ્રધાન બનાવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



