મુંબઈ,
૧૧/૦૪/૨૦૧૮
(‘અખંડઆનંદ’ સામાયિક ના ડિસેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)
ઘણા વખત પહેલાં વાંચેલું એક વાક્ય આજે આ લેખ લખવાનું નિમિત્ત બન્યું છે. દિવાળીના દિવસોમાં પરસ્પર શુભેચ્છાઓ મોકલીએ છીએ ત્યારે એમાં સતત સંપત્તિ, લક્ષ્મી, વૈભવ, ધન, ઐશ્વર્ય આ બધા શબ્દો ઢગલા મોઢે ઠાલવીએ છીએ. આ બધા વચ્ચે ઘણા વખત પહેલાં વંચાયેલું એક વાક્ય અચાનક ગોઠવાઈ ગયું. આ વાક્ય આજે શબ્દશઃ તો યાદ નથી પણ ભાવ કંઈક આવો હતો.
જો તમે ઈચ્છતા હો કે તમારાં સંતાનો તમને તમારા મૃત્યુ પછી પણ યાદ રાખે તો તમે એક કુટિર બંધાવજો. જો તમે એવું ઈચ્છતા હો કે તમારાં પૌત્ર-પૌત્રીઓ પણ તમને તમારા મૃત્યુ બાદ સંભારે તો તમે ઈંટ, ચૂનાનું એક પાક્કું મકાન બંધાવજો અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારાં પ્રપૌત્રો,પ્રપૌત્રીઓ પણ તમને સંભારે તો તમે એક કિલ્લો ચણાવીને ગામ વસાવજો. પણ જો તમે એવું ઈચ્છતા હો કે તમારા વંશજો તમને કાયમ યાદ રાખે તો તમારે એક પુસ્તક લખવું જોઈએ.
આ વિધાનમાં પુસ્તકનું ગૌરવ કરવામાં આવ્યું છે. પુસ્તકનો મહિમા કેટલો બધો ઊંચો છે એવો સંકેત આમાં કરવામાં આવ્યો છે. જો કે લખાતાં તથા પ્રકાશિત થતાં તમામ પુસ્તકો આવા સ્તરનાં હોતાં નથી. કેટલાક પુસ્તકો તો એના લેખકો સુધ્ધાં પાંચ દશ વરસ પછી ભૂલી જાય એવા સ્તરનાં પણ હોય છે. આપણે બે હજાર વરસ પછી કાલિદાસનાં પુસ્તકોને યાદ કરીએ છીએ પણ કાલિદાસ જે રીતે આપણી સ્મૃતિમાં જડાઈ ગયા છે એ રીતે કાલિદાસના સંખ્યાબંધ સમકાલીન લેખકોને આપણે સંભારતા નથી. વ્યાસ અને વાલ્મીકિ હજારો વરસ પછી પણ આપણા માટે તરોતાજા છે પણ એમના કાળમાં બીજા લેખકો પણ થયા તો હશે જ. આપણને એમનાં નામ સુધ્ધાં યાદ નથી.
માણસને પોતે પોતાના મૃત્યુ પછી લાંબા ગાળા સુધી અન્યો દ્રારા યાદ રહે એવી એક વિચિત્ર ઈચ્છા કાયમ માટે રહેતી હોય છે. ભલભલાં નામો કાળના સપાટામાં ભૂંસાઈ જતા હોય છે. રોડ, શહેર કે અન્ય ઈમારતોને ચોક્ક્સ નામ આપવામાં આવે છે પણ કાળાંતરે એ નામો બદલાઈ જતાં હોય છે. દિલ્હીમાં જેણે એક સમયે સમ્રાટપદ ભોગવ્યું એ ઔરંગઝેબ કે અકબર આગળ જતાં રોડ બની ગયા અને હવે દિલ્હીનો એ ઔરંગઝેબ રોડ એપીજે અબ્દુલ કલામ રોડ બની ગયો છે. ભાવનગરના મહારાજા સર તખ્તસિંહજીએ પ્રજાકલ્યાણની ભાવનાથી બંધાવેલી હોસ્પિટલ જ્યારે નામાભિધાન થઈ ત્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલ હતી પણ વખત જતાં એ માત્ર સર.ટી. હોસ્પિટલ બની ગઈ. આગળ જતાં હવે એ કયારેક ક્યારેક સર્ટી એટલે કે સર્ટીફાઈડ હોસ્પિટલ નામાભિધાન પામી ચૂકી છે. આમ પોતાનું નામ રાખવા માટેના પ્રયત્નો કેવા હાસ્યાસ્પદ છે એ જ સિધ્ધ થાય છે.
વૈદિક શાસ્ત્રોના જ્ઞાનમાં જેમની ગણના દેશના સર્વોચ્ચ વિદ્વાનોમાં કરી શકાય એવા એક સંન્યાસીએ પોતાનો મૃતદેહ ગંગાના પ્રવાહમાં હરદ્વાર કે કાશીના અમુક ચોક્ક્સ સ્થળે વહેતો મૂકી દેવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરેલી. ગંગાના પ્રવાહમાં મૃતદેહ તરતો મૂકી દેવાની પ્રથા પ્રતિબંધિત છે. જે મહારાજ સમગ્ર વૈદિક જ્ઞાનને આત્મસાત કરી ચૂક્યા હતા એમને તો પોતાના નામ કે શરીર આ બંન્નેની વ્યર્થતા સમજાઈ જ ગઈ હોય એવું આપણે ધારી લઈએ છીએ. આ કિસ્સામાં સ્વામીજીનો મૃતદેહ એમની ઈચ્છા પ્રમાણે ગંગાના પ્રવાહમાં મૂકી દેવા માટે એમના શિષ્યોએ મધ્યરાત્રિએ પોલીસની સહાયથી આ કામ પૂરું કર્યું હતું. આત્મા એકવાર પરલોકના પંથે પડી જાય પછી દેહ સાથે એને સંબધ રહેતો નથી, એવું અનેક્વાર આ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં કહ્યું હશે. આમ છતાં દેહ સાથેની મમતા તેઓ છોડી શક્યા નહોતા.
એક ભદ્ર પરિવારની આધેડ મહિલાએ પોતાની માંદગી દરમિયાન પોતાના સંતાનોને એવી સૂચના આપી હતી કે એના મૃતદેહને નનામી ઉપર સુવડાવીને કાથીની દોરીથી સખ્તાઈપૂર્વક બાંધવામાં ન આવે. આ મહિલાનું જીવન અત્યંત સુખસમૃધ્ધિમાં વ્યતીત થયું હતું. એને ભય હતો કે જો એના દેહ ઉપર સખતાઈથી વીંટાળવામાં આવશે તો એના શરીર ઉપર સોળ ઊઠી આવશે એવી ચિંતા કરતી આ અજ્ઞાની મહિલા અને મૃતદેહને કાયદા વિરુધ્ધ ગંગાના પ્રવાહમાં વહેતો મૂકી દેવાની ઈચ્છા કરતા જ્ઞાની મહાત્મા, બંને એક જ બિંદુ ઉપર ઊભા રહીને દેહને અવલોકતા હોય એવું નથી લાગતું?
કોઈપણ સરકારી કે બિનસરકારી પત્રકોમાં આખુ નામ એવી એક કોલમ હોય છે.આ આખા નામનો અર્થ, તમારું પોતાનું નામ, પિતાનુ નામ અને અટક એવો થતો હોય છે. હમણાં હમણાં આ આખા નામમાં પિતાની સાથે જ માતાનું નામ પણ ઉમેરવામાં આવે છે. પિતા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પોતાનું જીવન આગળ લંબાવવા માટે ઉત્સુક એનો જીવ પુત્રના દેહમાં પ્રવેશી જાય છે એવી એક માન્યતા પણ છે. આવી માન્યતાના સત્યાસત્યનું પરીક્ષણ આપણે અહીં નથી કરવું પણ મૃત્યુની સાથે જ જીવનની સમાપ્તિ કરવાને બદલે કોઇપણ રીતે આગળ જીવતા રહેવાની જે માનવીય ખેવના છે એની જ આ વાત છે.
સંપત્તિવાન માણસો પોતાની સંપત્તિની સહાયથી શાળા, કોલેજ, મંદિર, હોસ્પિટલ ઈત્યાદિ બંધાવે છે એ સમાજોપયોગી કામ છે એમાં કોઈ શક નથી પણ આ રીતે સંપત્તિનો વિનિયોગ કરનારનો ઉદ્દેશ મૂળભૂત રીતે સમાજોપયોગી થવાનો હોતો નથી. પોતાનું કે પોતાનાં સદ્ગત સ્વજનોનું નામ કાયમ કરવનો જ આમાં પ્રાથમિક હેતુ હોય છે. બને છે એવું કે આવા નામ પણ આગળ જતાં બદલાઈ જતાં હોય છે. થોડાંક વરસ પછી આવી સંસ્થા જીર્ણ થાય ત્યારે નવા દાતાઓ પોતાના નામથી એનો જીર્ણોદ્ધાર કરાવે છે. આમ કોઈ નામ કાયમ રહેતું નથી. કાળના પ્રવાહમાં નામ લુપ્ત થઈ જાય એ જ અધિક ગૌરવપ્રદ છે.
માણસ જિંદગીભર પોતે માની લીધેલા સુખને સાથે રાખવા પ્રયત્નો કરતો હોય છે. બાલ્યાવસ્થામાં લખોટા રમતી વખતે જે સુખ પ્રાપ્ત થતું હોય છે એ જ રીતે બદલાતી જતી શારીરિક અવસ્થાને કારણે સુખોના પ્રકાર બદલાતા જાય છે. આ સમગ્ર બ્રહાંડ પ્રત્યેક ક્ષણે પરિવર્તનશીલ છે. દેખીતી રીતે જે સ્થિર લાગતું હોય છે એ પણ અંદરખાનેથી અદ્રશ્ય રીતે પ્રત્યેક ક્ષણે બદલાતું હોય છે. ગંગા એની એ જ હોય છે પણ પાણી બદલાઈ જાય છે. માણસે પોતે માની લીધેલું સુખ પણ આ જ રીતે બદલાઈ જતું હોય છે.
જેવું સુખોનું એવું જ સંબંધોનું છે. સંબંધોમાં જે માત્રાનો અનુભવ પરસ્પરને આજે થતો હોય છે એવો જ અનુભવ થોડાં વરસો પછી બે માંથી એકેય પાત્રને થતો નથી. આવું કેમ બને છે એ માનવીય રાસાયણશાસ્ત્રનો એક અકળ કોયડો છે. આના વિશે લાંબા લાંબા કાવ્યો અને માનસશાસ્ત્રીય વિશ્લેષણો પાર વિનાનાં થયાં છે પણ એનું કોઈ નિરાકરણ નથી થયું. આજે સંબંધનું સુખ માનનારાઓ એવા જ સુખની અપેક્ષા એના એ જ પાત્ર પાસેથી કર્યા કરે અથવા એવા સુખ માટે હવાતિયાં મારતા બીજા પાત્રને શોધ્યા કરે એ આપણા સહુના અનુભવની વાત છે.
આપણે જે સુખની વાત કરીએ છીએ એ સુખનો ઉપભોગ શરીર અને માત્ર શરીર દ્વારા જ થાય છે. સુખ એ આત્મિક અનુભૂતિ છે એ સિદ્ધાંત તરીકે સાવ સાચી વાત છે પણ વ્યવહારમાં આવી કોઈપણ અનુભૂતિ શરીર દ્વારા જ થતી હોય છે. આમ હોવાથી માણસે મૃત્યુ પછીના જીવનમાં પણ સુખની જ અપેક્ષા રાખી છે. મૃત્યુ પછી આ શરીર નહિ હોય એ જાણવા છતાં આના આ શરીરને મૃત્યુ પછી પણ સુખ મળતું રહે એ રમણીય કલ્પનામાંથી માણસ છૂટી શકતો નથી. ઈજીપ્તનાં મમીઓ આનું શ્રેષ્ડ ઉદાહરણ છે. મૃત્યુ પામનાર રાજાને મૃત્યુ પછી પણ એવાં ને એવાં જ સુખો મળતાં રહે એ માટે સ્ત્રીઓથી માંડીને પગરખાં સુધી તમામ દુન્વયી ચીજવસ્તુઓ એના મૃતદેહની સાથે જ કબરમાં મૂકવામાં આવતી.
આપણે ત્યાં મહાભારતમાં પણ મૃત્યુ પછીનાં ભરપૂર સુખોની ભારે રોમાંચક વાતો આલેખાઈ છે. જો કોઈ રાજા, ઋષિ કે અન્ય માણસ અમુક-તમુક પ્રકારનાં સત્કર્મો કરે તો એનાથી એને અમુક-તમુક સુખો મળે એવું કહેવાયું છે. હવે આ સુખો વિશે એક ભારે રમૂજી વાત પણ થયેલી છે. સુખનું સર્વોચ્ચ શિખર જાણે સ્ત્રી જ હોય અને સ્ત્રીનો ઉપભોગ એ જ જાણે પરમ સુખ હોય એમ સત્કરર્મો કરવાથી સ્વર્ગમાં અમુક હજાર સુંદર અને યુવાન સ્ત્રીઓ મરનારને પ્રાપ્ત થશે એવું વારંવાર કહેવામાં આવ્યું છે. આ સંખ્યા એટલી હોય છે કે કોઈપણ મૃતાત્મા પુરુષ માટે એ ભોગવટો નહિ પણ ભય બની જાય. એક પુરુષ આવી હજારો સુંદર યૌવનાઓને શરીર વિના તો ભોગવી શકે જ નહિ. આનો અર્થ એવો થયો કે ભલે પૃથ્વી પર દેહને બાળી દીધો હોય પણ સ્વર્ગમાં સુધ્ધાં શરીર તો છે જ.
અહીં સહુથી રસપ્રદ વાત એ છે કે મૃત્યુ પછીના જીવનમાં પ્રાપ્ત થતાં સંભવિત સુખોની આ કલ્પનાઓમાં ક્યાંય સ્ત્રીઓ વિશે વિચારણા થઈ જ નથી. જો કોઈ સ્ત્રી સત્કર્મો કરીને મૃત્યુ પામે તો એને સ્વર્ગમાં હજારો સુંદર અને યુવાન પુરુષો પ્રાપ્ત થશે એવું ક્યાંય કહેવાયું નથી. પુરુષોની પ્રાપ્તિ તો ઠીક પણ સ્ત્રીઓને બીજાં ક્યાં ક્યાં સુખો મળશે એ વિશે પણ કોઈ ઉલ્લેખ નથી. આમ છતાં સ્ત્રી-પુરુષ દૈહિક સંબંધોનાં સુખને લાગેવળગે છે ત્યાં સુધી મહાભારતકારે એક ચોંકાવી મૂકે એવી સ્પષ્ટતા હજારો વરસ પહેલાં પણ કરી છે. આ સ્પષ્ટતા અનુસાર દૈહિક સંબંધથી પુરુષ , સ્ત્રી દ્વારા જે સુખ મેળવે છે એનાથી સ્ત્રી પુરુષ દ્વારા જે સુખ મેળવે છે એ આઠ ઘણું વધુ હોય છે. સુખનો આવો કોઈ માપદંડ આપણે જાણતા નથી પણ આધુનિક વિજ્ઞાન હવે ઝીણવટભર્યાં સંશોધનોને અંતે મહાભારતના આ કથનનું સમર્થન કરે છે ખરું.
શરીર નાશવંત છે અને આત્મા જ શાશ્વત છે એ વાત જ્ઞાનના એક તબક્કે સિધ્ધાંત તરીકે સ્વીકારી શકાય એવી છે પણ માણસને કોઈ પણ તબક્કે પોતાનું શરીર સહુથી વધુ ગમતું હોય છે. આ ગમાને ધિક્કારની જરુર નથી. આ ગમાની મર્યાદા સમજી લેવાની જરુર છે. પોતાના હાથપગના ઉતારેલા નખ કે પછી હજામની દુકાને કપાયા પછી નીચે પડેલા માથાના વાળ સુધ્ધાં આપણે એક અજાણ મમત્વથી જોતા હોઈએ છીએ. જે આત્મા વિશે, જે શાશ્વતી સુખ વિશે આપણે જ્ઞાનવાર્તા કરીએ છીએ એ ખોટું નથી હોતું પણ એનું નિવાસસ્થાન અંતે તો શરીરમાં જ હોય છે.
મૂળ વાત પોતે મૃત્યુ પછી કાયમ માટે અથવા તો ઓછામાં ઓછું લાંબા ગાળા સુધી પોતાના વંશજો કે બીજાઓ દ્વારા યાદ રહે એવી માણસની વૃત્તિની છે. એવું કહેવાય છે કે એક માણસ જ્યાં પલાઠી વાળીને બેસે છે એ જગ્યા નીચે ઓછામાં ઓછા સો મૃતદેહો એમનો અંત્યોષ્ઠિ સંસ્કાર પામી ચૂક્યા હશે. આમાંથી આપણને આંગળીના વેઢે ગણી શકાય એટલાં નામો માંડ યાદ રહેતાં હોય છે. આપણી સાત પેઢીનાં નામો સુધ્ધાં આપણે જાણતા નથી અને આમ છતાં હવે પછીની સાત પેઢી મારું નામ યાદ રાખે એ વાત આપણાથી ભુલાતી નથી. તાજમહાલ શાહજહાંએ બાંધ્યો છે એવું હળાહળ અસત્ય ઈતિહાસ આપણને કહે છે. તાજમહાલ શાહજહાંએ નથી બાંધ્યો. રાતદિવસ પરસેવો પાડીને મજૂરી કરનારાઓ અને સ્થપતિઓએ બાંધ્યો છે. શાહજહાંએ માત્ર નાણાં ચૂકવ્યાં છે અને આ નાણાં એણે અનેક જુલ્મો, પ્રપંચો અને લૂંટફાટ કરીને બળજબરી પોતાના રાજકોષમાં ભર્યાં હતા. આમ છતાં તાજમહાલ સાથે શાહજહાં અને એની બેગમ મુમતાઝનું નામ ઈતિહાસમાં સંકળાઈ ગયું છે.
મૃત્યુ પછી જીવન વિશે આપણે કંઈ જાણતા નથી. જીવન સમાપ્ત થયા પછી કોઈ માહિતી આપણી પાસે નથી. જેને આપણે જીવન કહીએ છીએ એ પણ આપણને હજુ પૂરું સમજાયું નથી અને છતાં આપણે મૃત્યુ પછી જીવતાં રહીએ એવી વિચિત્ર અબળખા ધરાવીએ છીએ. આપણે પોતાના નામથી શા માટે યાદ રહેવું જોઈએ? બનવાજોગ છે કદાચ થોડાંક સારાં કામો જીવન દરમિયાન થયાં હોય, અને જો થયાં હોય તો એ કામો ભલે થોડો વખત ત્યાં જ રહેતાં – નામની જરુર નથી. નામ અ હોય કે બ એનાથી પેલા સારા કામને શો સંબંધ છે?
– ડૉ. દિનકર જોષી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"