સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકાર થોડા આંચકી લેવાય મોદીજી…!!?

0
4

૨૦મી સદીના વિખ્યાત લેખક-પત્રકાર જ્યોર્જ ઓર્વેલે તેમના પુસ્તક ‘નાઈન્ટીન એઈટી ફોર’માં ‘ઓર્વેલિઅન સ્ટેટ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાદી સરળ ભાષામાં આ શબ્દ પ્રયોગને ઉકેલીએ તો એક એવી પરિસ્થિતિ જેમાં આધુનિક દમનખોર સરકાર મુક્ત સમાજ અને નાગરિકોના સ્વતંત્રતા અધિકારોને છીનવી લેતો કાયદો ઘડે છે કે પાલિસી બનાવે છે. આ વિકરાળ કાયદાનો ઉપયોગ નાગરિકો પર જાપ્તો રાખવા, પ્રચાર-અપપ્રચાર કરવા, જુઠાણાઓ ફેલાવવા, વિરોધીઓની સામે સાચા-ખોટા કેસ ઊભા કરવા અને કોઈ વ્યકિતનું અસ્ટિત્વ જાહેર રેકાર્ડ તથા સ્મૃતિમાંથી ભૂંસાવી નાખવા જેવી હિણી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.
ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી જાહેર કરીને ૨૧ મહિના દમનખોરી શાસન ચલાવ્યું હતું. ભારતીય લોકશાહીના આ કાળમુખા દિવસો દરમિયાન તેમણે વિરોધી-રાજકારણીઓને જેલમાં ધકેલી દીધા હતા. અખબારી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું હતું. નાગરિકોની સ્વતંત્રતા પરની તરાપ આપણા રાજકીય ઈતિહાસનું એક કાળું પ્રકરણ હતું જેની યાદ મોદી સરકારના એક પગલાંએ અપાવી દીધી. અલબત્ત, ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી ઘોષિત કરી હતી, આ કટોકટી કદાચ પાછલે બારણે ટકોરા મારી રહી છે.
ભાજપના નેજા હેઠળની સરકારે ઈન્ટેલિજન્સ બ્યૂરો, નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, સેન્ટ્રલ બાર્ડ આૅફ ડાયરેક્ટ ટૅક્સીસ, ડાયરેક્ટરેટ આૅફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, સેન્ટ્રલ બ્યૂરો આૅફ ઈન્વેસ્ટિગેશન, નેશનલ ઈન્વેÂસ્ટીગેશન એજન્સી, કેબિનેટ સેક્રેટરીએટ (આર ઍન્ડ એ ડબ્લ્યૂ), ડાયરેક્ટરેટ આૅફ સિગ્નલ ઈન્ટેલિજન્સ (ફોર સર્વિસ એરિયા આૅફ જમ્મુ-કાશ્મીર; નોર્થ-ઈસ્ટ અને આસામ આૅનલી) તથા કમિશનર આૅફ પોલીસ (દિલ્હી) – આ દસ તપાસ એજન્સીઓને ‘જાસૂસી’ કરવાની સત્તા આપી છે.
પેન કાર્ડ, ત્યારબાદ આધાર કાર્ડ સ્વરૂપે સામાન્યથી લઈને અસામાન્ય ધૂરંધરોની ગુપ્ત-અંગત માહિતી એકત્ર કરાઈ ત્યારે વિરોધ થયો હતો. સરકારની નિયત પર શંકા જાગી હતી. આ હાલતમાં હવે ચૂંટણીઓને આડે માંડ ચારેક મહિના છે ત્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પોતાના ગઢ ગુમાવી ચૂકેલી ભારતીય જનતા પાર્ટી કોઈપણ હદે જઈ શકે છે એવી માન્યતા દૃઢ બની રહી છે.
ચૂંટણીમાં વિજય મેળવ્યાનું ટાનિક ખાઈને અચાનક હરકતમાં આવેલી કાંગ્રેસને મોદીએ વિરોધ કરવા માટેનું બીજું એક સબળ કારણ પકડાવી દીધું છે. કાંગ્રેસના નેતૃત્વ હેઠળ સીપીઆઈ-એમ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ તથા તૃણમૂલ કાંગ્રેસ સહિતના તમામ વિરોધી પક્ષોએ આ ભયાનક કાયદાનો એક રાગે વિરોધ કર્યો છે.
આ કાયદા હેઠળ આ એજન્સીઓ કમ્પ્યુટરોની ગુપ્ત માહિતી આંતરી શકશે, મેળવી શકશે અને તેનો ઉપયોગ કે દુરુપયોગ કરી શકશે. લોકસભામાં વિરોધ પક્ષોએ આ મુદ્દે હોબાળો મચાવી દીધો, પત્રકારોને બોલાવીને સરકારના આ કઠોર કદમને ‘અઘોષિત કટોકટી’ ગણાવી.
સરકારનું આ પગલું ગેરબંધારણીય, બિનલોક તાંત્રિક અને બંધારણના મૂળભૂત અધિકારો પરની તરાપ હોવાનું ગણાવ્યું. પ્રાઈવસી એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને સુપ્રીમ કોર્ટે પણ આને માન્યતા આપી છે.
સરકારે, અલબત્ત, બચાવ કરતા એવું કહ્યું કે રાષ્ટ્રની સલામતી માટેનું આ પગલું છે. અરે ભલા આદમી કેન્દ્ર સરકાર પાસે આ માટેની યંત્રણા છે જ. એના માટે સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકાર થોડા આંચકી લેવાય? દેશને ‘પોલીસ રાજ’માં થોડો ફેરવી નખાય?
નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહી દીધું કે વિરોધ પક્ષો ખોટી બુમરાણ મચાવે છે. હકીકતમાં માહિતીને આંતરી લેવાની સત્તા ૨૦૦૯માં કાંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે આપી હતી.
આનો અર્થ એવો થયો કે કાંગ્રેસે લીધેલા ગલત નક્શ-એ-કદમ પર મોદી સરકાર ચાલી રહી છે? ચૂંટણીઓ માથે ઝળુંબી રહી છે ત્યારે અંધાધૂંધ પગલાં ભરવાને બદલે મોદીએ કાંગ્રેસે લખેલા કાળા ડિબાંગ ઈતિહાસને ભૂંસી નાખવો જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY