થોડા સમયની શાંતિ પછી સીબીઆઈ પાછી વરતાઈ છે ને કોલકાતામાં થયેલા ભવાડાના કારણે પાછો તેની આબરૂનો ધજાગરો થયો છે. બંગાળ સહિતનાં રાજ્યોમાં શારદા ચિટ ફંડ બહુ લાંબા સમયથી ગાજે છે. આ ચિટ ફંડમાં મોટાં મોટાં માથાં સંડોવાયેલાં છે ને ઘણા તો જેલભેગા પણ થયા છે. આ પૈકી મોટા ભાગના મમતા બેનરજીની તૃણમૂલ કાંગ્રેસના નેતા છે. બીજાં પણ ઘણાં નામો ગાજી રહ્યાં છે ને તેમાંથી ઘણા જેલભેગા થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. આ નામોમાં એક નામ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારનું પણ છે.
આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે ને સીબીઆઈ રવિવારે રાજીવ કુમારની ધરપકડ કરવા માટે કોલકાત્તામાં તેમના ઘરે પહોંચી તેમાં ભવાડો થઈ ગયો. કોલકાતાની પોલીસ તો પોતાના કમિશનરની ધરપકડ કરવા માટે આડી આવીને ઊભી રહી જ ગઈ પણ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ કૂદી પડ્યાં. રાજીવ કુમારની ધરપકડ કરવા માટે આવેલા સીબીઆઈના અધિકારીઓને પોલીસ ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ ને બીજી તરફ મમતા બેનરજીએ ધરણાં શરૂ કરી દીધાં. મમતા કોલકાતા શહેરની વચ્ચોવચ્ચ ફૂટપાથ પર જ ધરણાં પર બેસી ગયાં. રાજીવ કુમાર સહિતના પોલીસ અધિકારીઓ પણ તેમાં જાડાયા ને બીજા રાજકારણીઓ પણ તેમાં જોડાઈ ગયા તેમાં વાત વધી ગઈ. બંગાળમાં મમતા સત્તા પર છે એટલે તેમના સમર્થનમાં મેદાનમાં આવનારાની કમી ના હોય. આખા બંગાળમાં મમતાના સમર્થનમાં દેખાવો ને વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં. કોલકાતામાં તો માનવ મહેરામણ જ ઉમટી પડ્યું છે ને જ્યાં જુઓ ત્યાં મમતાના સમર્થકો જ દેખાઈ રહ્યા છે.
કોલકાતામાં જે થયું એ સીબીઆઈની આબરૂનો ધજાગરો હતો. પોલીસ સીબીઆઈના અધિકારીઓને ઉઠાવીને અંદર કરી દે તેનાથી વધારે શરમજનક શું કહેવાય ? વિચારવાની વાત એવું કેમ થયું એ છે. સીબીઆઈવાળા મોટા ઉપાડે રાજીવ કુમારની ધરપકડ કરવા તો ઉપડી ગયા પણ એ લોકો પાસે વોરંટ જ નહોતું. રાજીવ કુમાર આઈપીએસ અધિકારી છે, કંઈ હાલીમવાલી થોડો છે કે તમે તેને પકડવા માટે હાથ હલાવતા નિકળી પડો ?
બીજું એ કે, સીબીઆઈએ રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે. દિલ્હીમાં સીબીઆઈના અધિકારીઓ ધારે એ કરી શકે એવા તેમના પાવર્સ છે પણ દેશનાં અન્ય રાજ્યોમાં જવું હોય તો તેમણે જે તે રાજ્યની સરકારની ઔપચારિક રીતે મંજૂરી લેવાની હોય છે. આપણે ત્યાં રાજ્યો સીબીઆઈને રોકતા નથી ને તેને પોતાની રીતે કામ કરવા દે છે. દરેક રાજ્ય દર વર્ષે એક પરિપત્ર બહાર પાડીને સીબીઆઈને છૂટ આપી જ દેતા હોય છે પણ ગયા વરસના નવેમ્બર મહિનામાં પહેલાં આંધ્રના ચંદ્રાબાબુ નાયડુએ ને પછી મમતા બેનરજીએ સીબીઆઈના આંધ્ર પ્રદેશમાં ઘૂસવા પર પણ પાબંદી લગાવેલી. બંને સરકારે આ માટે બાકાયદા પરિપત્ર બહાર પાડ્યો હતો. સીબીઆઈ મોટી સંસ્થા ખરી પણ એ કંઈ બંગાળની સરકારથી ઉપર નથી જ. આ સંજાગોમાં તેણે રાજીવ કુમારની પૂછપરછ પણ કરવી હોય તો મમતા સરકારને આજીજી કરવી જ પડે. સીબીઆઈના અધિકારીઓએ તોરમાં ન તોરમાં એ ના કર્યું તેમાં આબરૂનો કચરો થયો.
આ ભવાડો ઓછો હોય તેમ કોલકાતાના ભવાડા પછી સીબીઆઈવાળા સોમવારે મોટા ઉપાડે સુપ્રીમ કોર્ટમાં ઉપડી ગયા. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી. પહેલી અરજીમાં સીબીઆઈએ માગણી કરી કે, સુપ્રીમ કોર્ટ કોલકાતાના પોલીસ કમિશનરને તાત્કાલિક શરણે થવા ને પુરાવાનો નાશ નહીં કરવા માટે ફરમાન કરે. બીજી અરજીમાં તેમણે માગણી કરી કે, શારદા ચીટ ફંડ કૌભાંડમાં તપાસનો આદેશ સુપ્રીમ કોર્ટે જ આપેલો પણ કોલકાત્તાના પોલીસ કમિશનર તપાસમાં સહકાર આપતા નથી ને ગાંઠતા નથી તેથી તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા આદેશ આપો.
સીબીઆઈએ આ બંને અરજીની સુનાવણી તાબડતોબ કરવા કહેલું પણ ઊલટાના સુપ્રીમ કોર્ટે તેમને તતડાવી નાંખ્યા. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ વતી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને સાફ શબ્દોમાં કહ્યું કે, નકરી ઝીંકાઝીંક કર્યા વિના નક્કર પુરાવા લઈને આવો ને પછી વાત કરો. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, રાજીવ કુમાર સપનામાં પણ પુરાવાનો નાશ કરવું વિચારતા હશે તો અમે તેમની એવી હાલત કરી નાખીશું કે તેમને એ કામ કર્યાનો આખી જિંદગી અફસોસ થશે પણ અત્યારે તો તમે જે વાત કરો છો તેના કોઈ પુરાવા જ તમારી પાસે નથી એ જાતાં જ્યારે પુરાવા હોય ત્યારે આવજા. સીબીઆઈએ એવી વાહિયાત દલીલ કરેલી કે, રાજીવ કુમારે તેમના કમ્પ્યુટરમાં ને બીજા ઠેકાણે રહેલા પુરાવાનો નાશ કરી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પણ સીબીઆઈને તોડી પાડતાં કહ્યું કે, છોકરાંને ફોસલાવવાની વાતો ના કરો કેમ કે પુરાવા ઈલેકટ્રોનિકલ હશે તો તેમને સર્વરમાંથી પાછા મેળવી જ શકાશે. ટૂંકમાં સીબીઆઈ માટે હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો જેવી હાલત થઈ ગઈ.
સુપ્રીમ કોર્ટે આ મામલાની આજે એટલે કે મંગળવારે સુનાવણી રાખી છે તેથી હવે પછી શું થશે એ અંગે અટકળો કરવાનો ઝાઝો અર્થ નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટ રાજીવ કુમારની તરફેણમાં ચુકાદો આપે કે સીબીઆઈની તરફેણમાં ચુકાદો આપે તેનાથી ઝાઝો ફરક પડતો નથી પણ આ ઘટનાક્રમે ફરી એક વાર સાબિત કર્યું કે, સીબીઆઈ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. શારદા ચિટ ફંડ મામલો બહુ જૂનો છે ને રાજીવ કુમાર સામેના આક્ષેપો પણ જૂના છે. સીબીઆઈને ખરેખર લોકોને ન્યાય અપાવવામાં રસ હોત તો તેણે બહુ પહેલા જ રાજીવ કુમાર પર હાથ નાંખ્યો હોત ને તેના માટે જે કાયદાકીય વિધિ કરવી પડી હોત એ કરી હોત.
સીબીઆઈની દલીલ એવી છે કે, રાજીવ કુમારને વારંવાર સમન્સ આપવા છતાં તે હાજર ના થયા એટલે છેવટે તેમને ઉઠાવવા કોલકાતા જવું પડ્યું. આ વાત બકવાસ છે ને સીબીઆઈ પોતાનો લૂલો બચાવ કરે છે. શારદા કૌભાંડની તપાસનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એ જાતાં સીબીઆઈની દાનત ખરેખર રાજીવ કુમારની પૂછપરછ કરવાની જ હોત તો એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકી હોત. રાજીવ કુમાર સમન્સના જવાબ નથી આપતા એ મુદ્દે તેમણે રજૂઆત કરી હોત તો સુપ્રીમ કોર્ટે જ રાજીવ કુમારને કાંઠલેથી ઝાલીને લઈ આવવા ફરમાન કર્યું હોત. સીબીઆઈએ એવું ના કર્યું ને પોતે દોઢ ડહાપણ કર્યું તેમાં ભવાડો થઈ ગયો.
આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે સુપ્રીમ કોર્ટ જે નિવેડો લાવે એ સાચો પણ સીબીઆઈના કારણે આ મામલે રાજકીય ગરમી લાવી દીધી છે. લોકસભાની ચૂંટણી માથે છે ને ભાજપ બંગાળને સર કરવા પૂરી તાકાત સાથે મચી પડ્યો છે. નરેન્દ્ર મોદી ને અમિત શાહ બંને બંગાળમાં ઉપરાછાપરી સભાઓ કરી રહ્યા છે ને એ જ તાકડે આ ભવાડો થયો છે. તેના કારણે મમતા બેનરજીને મોદી સરકાર સામે તલવાર તાણવા વધુ એક તક મળી ગઈ છે. મમતા આવા મોકાનો ફાયદો ઉઠાવવામાં પાવરધાં છે ને અત્યારે તેમણે એ જ ખેલ શરૂ કરી દીધો છે. એક તરફ એ ફૂટપાથ પર બેસી ગયાં છે ને મોદી સરકારને ભાંડવાનો કાર્યક્રમ પૂરજાશમાં તેમણે શરૂ કરી દીધો છે તો બીજી તરફ હાઈ કોર્ટમાં અરજી કરીને સીબીઆઈને ભિડાવવાનો તખ્તો પણ ઘડી કાઢ્યો છે.
મમતા લાંબા સમયથી એવી રાવ કર્યા કરે છે કે, કેન્દ્રની મોદી સરકાર અમને ખોટી રીતે કનડ્યા કરે છે ને જીવવું હરામ કરી નાંખ્યું છે. અમારો વાંક હોય કે ના હોય, અમને ઘોંચપરોણા કર્યા જ કરે છે. આ વાતમાં કેટલો દમ છે એ આપણને ખબર નથી પણ મમતાની આ વાત પર બંગાળીઓ ઝૂમી ઉઠે છે તેમાં શંકા નથી. મમતાના સમર્થનમાં અત્યારે લોકો જે રીતે ઊમટી રહ્યાં છે તેના કારણે આ વાત સાચી પડતી લાગી રહી છે.
મમતાના નસીબ પાધરાં છે કે ભાજપમાં બડફા બેઠા છે અને એ લોકો સત્તાનો દુરુપયોગ કરીને મમતાને નમાવવા માગે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મમતાએ બંગાળની લોકસભાની ૪૨ બેઠકોમાંથી ૩૪ બેઠકો જીતી ને ભાજપે ગણીને બે બેઠકો જીતી ત્યારથી એ ધમપછાડા શરૂ થઈ ગયેલા. તેના કારણે મમતાને વધારે જારથી આ વાત કરવાનો મોકો મળ્યો ને ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં મમતાએ ૨૯૫ બેઠકોમાંથી ૨૨૧ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધેલો. હવે મમતાએ પાછું એ જ નાટક માંડ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં પાછો તેનો ફાયદો તેમને મળશે જ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



