આપણી ક્રિકેટ ટીમ ઘરઆંગણે શેર છે પણ વિદેશની ધરતી પર ઢેર થઈ જાય છે એ આપણે વરસોથી જાઈએ છીએ. ભારતમાં રમવાનું હોય ત્યારે જે બેટ્સમેન સિક્સરો પર સિક્સરો ઠોકતા હોય છે તેમને વિદેશની ધરતી પર બોલ ને બેટનો સંગમ કરવાનાં પણ ફાંફાં થઈ જતાં હોય છે. બે-ત્રણ અપવાદને બાદ કરતાં મોટા ભાગના કહેવાતા ધુરંધર બેટ્સમેનના કિસ્સામાં જ્યારે બોલ ને બેટનો સંગમ થાય ત્યારે બોલ વિકેટકીપર પાસે જાય કે સ્લિપમાં કેચ થાય એવી હાલત થઈ જતી હોય છે. તેના કારણે આપણે સાવ સામાન્ય બોલિંગ આક્રમણ સામે પણ ટકી શકતા નથી ને ઈજ્જતનો ફાલુદો કરીને હારીએ છીએ. આવા શરમજનક રેકોર્ડ વચ્ચે આપણે વિદેશની ધરતી પર બે ટેસ્ટ જીતીએ ને સિરીઝ જીતવાના આરે આવી જઈએ ત્યારે ચોક્કસ આનંદ થાય.
મેલબર્નમાં ત્રીજી ટેસ્ટમાં આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું એ સાથે જ કરોડો ક્રિકેટ ચાહકોને અત્યારે એવો જ આનંદ થઈ રહ્યો છે. ભારતે આ સિરીઝની એડિલેઈડમાં રમાયેલી પહેલી ટેસ્ટ જીતેલી જ્યારે પર્થની બીજી ટેસ્ટમાં આપણે હારી ગયેલા. આપણી ટીમે હારથી ડર્યા વિના વળતો ઘા કરીને મેલબર્નમાં ત્રીજી ટેસ્ટ જીતી લીધી ને એ સાથે જ સિરીઝ હારના ખતરામાંથી આપણે બહાર આવી ગયા છીએ. હવે સીડનીની એક ટેસ્ટ બાકી રહી છે ને એ આપણે હારી જઈએ તો પણ ૨-૨થી સિરીઝ સરભર થાય પણ આપણે સિરીઝ હારીએ તો નહીં જ. જા કે ભારતીય ક્રિકેટ ચાહકોને સિરીઝ જીતની આશા છે કેમ કે આ સિરીઝ જીતીને આપણી ટીમ એક નવો ઈતિહાસ રચશે. આપણે ઓસ્ટ્રેલિયા સામે વરસોથી રમીએ છીએ પણ આજ દિન લગી ઓસ્ટ્રેલિયાની ઘરતી પર કદી ટેસ્ટ સિરીઝ જીત્યા નથી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ આપણે ગણીને ૫ ટેસ્ટ જીત્યા છીએ ને એ સંજાગોમાં એક જ સિરીઝમાં બે કે ત્રણ ટેસ્ટ જીતીને સિરીઝ જીતીએ તો એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. બલકે ભારતીય ટેસ્ટ ઈતિહાસની એ સૌથી મોટી સિધ્ધી કહેવાય કેમ કે વિદેશની ધરતી પર આપણો દેખાવ ખરેખર બહુ શરમજનક છે.
આપણે ૧૯૩૨માં ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ રમેલા ને ત્યારથી અત્યાર લગીમાં આપણે વિદેશની ધરતી પર કુલ ૭૨ ટેસ્ટ સિરીઝ રમ્યા છીએ. આ સિરીઝમાં શ્રીલંકા, ઝિમ્બાબવે, બાંગ્લાદેશ જેવા ફાસફૂસિયા દેશોમાં રમેલી સિરીઝ પણ આવી ગઈ. આ ૭૨ સિરીઝમાંથી આપણે ગણીને ૧૮ સિરીઝ જીત્યા છીએ. આ સિરીઝ જીતમાં પણ ૩ સિરીઝ શ્રીલંકા સામે છે, ૪ બાંગ્લાદેશ સામે છે ને ૨ બે ઝિમ્બાબવે સામે છે. આ ત્રણ દેશોની ધરતી પર જીતેલી સિરીઝની સંખ્યા ૯ થાય. મતલબ કે આપણે વિદેશમાં જીતેલી સિરીઝમાંથી અડધોઅડધ સિરીઝ તો આ નબળા દેશોની ટીમો સામે જીત્યા છીએ. ન્યૂ ઝીલેન્ડની ટીમ પણ આપણા કરતાં જારાવર નથી ને તેની સામે આપણે બે ટેસ્ટ સિરીઝ જીત્યા છીએ. એ પણ ગણતરીમાં લો તો તાકતવર કહેવાય તેવા દેશોની ધરતી પર આપણે જીતેલી સિરીઝની સંખ્યા ગણીને ૬ રહે. આ છ સિરીઝમાંથી પણ ૨ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પતી ગઈ એ પછી જીત્યા છીએ. એ બે સિરીઝ પણ બાદ કરો તો શું બાકી રહે એ તમે જ વિચારો.
અત્યાર લગીમાં આપણે વિદેશની ધરતી પર યાદગાર કહેવાય તેવા જે સિરીઝ વિજય મેળવ્યા છે તેમાં ૧૯૭૧માં અજીત વાડેકરની ટીમે વેસ્ટ ઈન્ડિઝ ને ઈંગ્લેન્ડની ધરતી પર રગદોળીને મેળવેલા વિજય સૌથી પહેલાં આવે. એ વખતે બંને ટીમો વર્લ્ડ ક્રિકેટમાં ટોચની ટીમ હતી ને તેમને હરાવવાની આપણે કલ્પના પણ ના કરી શકીએ એવી હાલત હતી. એ વખતે ભગવત ચંદ્રશેખરની આગેવાનીમાં આપણી સ્પિન ચોકડીએ બંને ટીમોને ધૂળચાટતી કરીને ડંકો વગાડી દીધેલો. એ પહેલાં આપણે વિદેશની ધરતી પર ન્યૂ ઝીલેન્ડ સામે જ સિરીઝ જીતેલા. એ રીતે વિદેશમાં ટેસ્ટ સિરીઝ જીતવાના શ્રીગણેશ પહેલાં જ થઈ ગયેલા પણ જારાવર ટીમોને પછાડવાની શરૂઆત ૧૯૭૧થી થઈ.
કપિલદેવની ટીમે ૧૯૮૬માં માઈક ગેટિંગની ટીમને તેની જ ધરતી પર રગદોળીને બે ટેસ્ટમાં હરાવ્યું એ વિજય પણ યાદગાર કહેવાય કેમ કે એ પહેલાં વિદેશની ધરતી પર આપણો દેખાવ બહુ વખાણવા જેવો નહોતો. રાહુલ દ્રવિડની ટીમે ૨૦૦૩-૦૪માં પાકિસ્તાનને તેની જ ધરતી પર પછાડ્યું એ જીત પણ મોટી હતી કેમ કે પાકિસ્તાન સામે તેની ધરતી પર રમવાનું માનસિક દબાણ બહુ મોટું હોય છે. પાકિસ્તાનમાં ભલભલી ટીમો ધૂળચાટતી થઈ જાય છે ત્યારે ભારતે પાકિસ્તાનને રગદોળી નાંખેલું. ભારતના વિદેશી ધરતી પર વિજયોની યશગાથા આ સાથે પૂરી થઈ જાય છે. એ સિરીઝ પછી ભારત વિદેશની ધરતી પર ૧૦ સિરીઝ જીત્યું પણ એમાંથી મોટા ભાગની બધી ફાલતુ ટીમો સામે છે. ૨૦૦૭મા રાહુલ દ્રવિડની ટીમે ઈંગ્લેન્ડ સામે જીત મેળવેલી તેને બાદ કરો તો બાકીની જીત હરખાવા જેવી નથી.
જાણીને આઘાત લાગશે કે, દક્ષિણ આફ્રિકા ને ઓસ્ટ્રેલિયાની ધરતી પર તો આપણે અત્યાર લગી કદી ટેસ્ટ સિરીઝ જીત્યા નથી. ઓસ્ટ્રેલિયામાં આપણે પહેલી ટેસ્ટ જ છેક ૧૯૭૮માં જીતેલા ને એ પછી અત્યાર લગીમાં આપણે ગણીને ૫ ટેસ્ટ જીત્યા છીએ. દક્ષિણ આફ્રિકામાં પણ આપણો રેકોર્ડ શરમજનક છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર પણ આપણે ગણીને બે ટેસ્ટ જીત્યા છીએ. ઓસ્ટ્રેલિયા ને દક્ષિણ આફ્રિકા આપણા માટે સર કરવાના બાકી રહી ગયેલા ગઢ છે. અત્યાર લગી આપણે બહુ મહાન ક્રિકેટરો પેદા કર્યા પણ એ બધા પણ આપણને આફ્રિકા ને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ નહોતા જીતાડી શકિયા. આ સંજાગોમાં વિરાટ કોહલીને બાદ કરતાં જે ટીમમાં કોઈ મોટાં નામ નથી એની ટીમ જીતે એ સિધ્ધી મોટી છે.
આ ટીમ વધારે મીઠી એટલે લાગશે કે, આપણી ટીમ છેલ્લે ઈંગ્લેન્ડની ધરતી પર સાવ શરમજનક રીતે હારી હતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ આપણે ૪-૧થી ગુમાવી હતી. આશ્ર્વાસન ખાતર આપણે એક ટેસ્ટ જીતેલા પણ બાકીની ટેસ્ટ મેચમાં આપણો દેખાવ સાવ શરમજનક હતો. આપણા બોલરોએ જારદાર બોલિંગ કરેલી ને આપણા બેટ્સમેને દરેક મેચમાં વરઘોડો કાઢ્યો તેમાં આપણે હાર પર હાર ખમવી પડેલી.
આપણે ત્યાં લોકોને હાર ઝડપથી પચતી નથી ને તેમાંય ક્રિકેટમાં હાર થાય એ તો સહન જ થતું નથી. આ હાર પછી પણ એ જ હાલત થઈ હતી ને વિરાટ કોહલીની ટીમના માથે માછલાં ધોવાનો કાર્યક્રમ પુરજાશમાં શરૂ થઈ ગયો હતો. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં જરાય દમ નથી ને તેનામાં ટીમને જીતાડવાની તાકાત જ નથી એવી કોમેન્ટ્સનો મારો ચાલ્યો હતો. એ વખતે વિરાટ ને રવિ શાસ્ત્રી આણિ મંડળી એવા જવાબ આપેલા કે, ભૂતકાળમાં આપણી ટીમો સાવ પાણીમાં બેસી જતી ને હારી જતી એ રીતે અમે હાર્યા નથી ને ? અમે લડીને હાર્યા છીએ. આ બધી મન મનાવવાની વાતો હતી ને વાસ્તવિકતા એ જ હતી કે આપણે ખરાબ રીતે હારેલા.
આ હારના કારણે આપણી ટીમ ઓસ્ટ્રેલિયામાં રમવા ગઈ ત્યારે એવા જ ધબડકાની આશા હતી ને આપણે એકાદ ટેસ્ટ મેચ જીતી શકીએ તો પણ ઘણું એવું જ બધાં માનતાં હતાં. તેના બદલે આ તો આપણે બે ટેસ્ટ જીતી ગયા છીએ ને સિરીઝ જીતવાના આરે આવી ગયા છીએ. અત્યાર લગી એવું જ થતું કે, આપણે સાવ ભૂંડી રીતે વિદેશની ધરતી પર હારતા ને ઈજ્જતનો ફાલુદો કરીને આવતા. વિદેશની ધરતી પર આપણે જીતીએ એ જ મોટી વાત કહેવાય એવી હાલત થતી ત્યારે આ તો ઈતિહાસ સર્જવાના આરે આવીને ઊભા રહી ગયા છીએ.
ભારતીય ક્રિકેટ ચાહકોમાં એક રોમાંચ છે તો સાથે સાથે અંદરખાને થોડો ફફડાટ પણ છે. આપણે આરે આવીને ડૂબી જઈએ એવું પણ બને. છેલ્લી ટેસ્ટમાં આપણે હારી જઈએ ને ઈતિહાસ સર્જવાથી ચૂકી જઈએ એ પણ શકીય છે. ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ એવો છે કે, દશેરાના દાડે જ તેનું ઘોડુ ના દોડ્યું હોય. તેના કારણે આ ફફડાટ છે ને આશા રાખીએ કે આ ફફડાટ ખોટો સાબિત થાય. વિરાટની ટીમ સિરીઝ જીતીને નવા વરસમાં લોકોને યાદગાર ભેટ આપે ને ૨૦૧૯ના વર્લ્ડકપ પહેલાં બીજા દેશોને પણ મેસેજ આપી દે કે, અમને હળવાશથી ના લેતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




