૩૦૦ સીટોમાંથી શેખ હસીના તેમજ સહયોગી પાર્ટીઓએ ૨૮૮ બેઠકો જીતી,વિપક્ષને મળી માત્ર સાત સીટ
હસીનાને દક્ષિણ પશ્ચિમી ગોપાલગંજ સીટથી જીત મળી,તેમને ૨,૨૯,૫૩૯ વોટ મળ્યા જ્યારે તેમના વિરુદ્ધ બીએનપીના ઉમેદવારને માત્ર ૧૨૩ વોટ મળ્યા છે
ઢાકા,તા.૩૧
વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગે બાંગ્લાદેશના જનરલ ઈલેક્શનમાં સતત ત્રીજી વખત જીત મેળવી લીધી છે. મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે હસીનાની અવામી લીગે ૩૦૦માંથી ૨૬૦ સીટ પર જીત મેળવી લીધી છે. તેમની મુખ્ય સહયોગી પાર્ટી જતિયા પાર્ટીને ૨૧ સીટો મળી છે. પ્રમુખ વિપક્ષી દળ નેશનલ યૂનિટી ફ્રન્ટ (એનયુએફ) અને તેની સહયોગી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ને માત્ર ૭ સીટો મળી છે.
જનરલ ઈલેક્શન દરમિયાન થયેલી હિંસામાં એક સુરક્ષાકર્મી સહિત ૧૭ લોકોના મોત થયા છે. વિપક્ષે ચૂંટમીમાં ગરબડી થયો હોવાનો આરોપ લગાવીને ફરી ચૂંટણી કરવાની માંગણી કરી છે. ૩૦૦માંથી ૨૯૯ સીટોના પરિણામ આવી ગયા છે. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી તે સીટની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશ ચૂંટણી કમીશનના જણાવ્યા પ્રમાણે, હસીનાને દક્ષિણ પશ્ચિમી ગોપાલગંજ સીટથી જીત મળી છે. તેમને ૨,૨૯,૫૩૯ વોટ મળ્યા છે. જ્યારે તેમના વિરુદ્ધ બીએનપીના ઉમેદવારને માત્ર ૧૨૩ વોટ મળ્યા છે. એનયૂએઉ ગઠબંધનમાં બીએનપી, ગોનો ફોરમ, જતિયા સમાજતાંત્રિક દળ (જેએસડી), નાગોરિક ઓકાયા અને કૃષક શ્રમિક જનતા લીગમાં સામેલ છે.
એનયૂએફના સંયોજક કમલ હુસૈને કહ્યું કે, અમે ચૂંટણી પરિણામોનો સ્વીકાર કરતા નથી. અમારી પાસે દરેક સેન્ટરમાં થયેલા ગોટાળાનો રિપોર્ટ છે. અમારી ચૂંટણી પંચને માંગ છે કે, આ ચૂંટણીને તુરંત રદ કરવામાં આવે . બીજી બાજુ બીએનપીના જનરલ સેક્રેટરી મિર્ઝા ફખરુલ આલમગીરે આ ચૂંટણીને ક્રૂર મજાક ગણાવી છે.
ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં હિંસાની ૧૦૦ ફરિયાદ મળી છે. માનવામાં આવે છે કે, મૃત્યુ પામનાર લોકોમાં મોટાભાગના સત્તા પાર્ટીના કાર્યકર્તાઓ છે.
બાંગ્લાદેશમાં ચૂંટણી હિંસાની આશંકાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ૬ લાખ સુરક્ષા જવાનોને તહેનાત કર્યા હતા. ઈલેક્શન કમિશ્નર નરુલ હુડાએ જણાવ્યું કે, દેશમાં અંદાજે ૧૦.૪૧ કરોડ મતદાતાઓ છે. અમુક ઘટનાઓને બાદ કરતાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. સુરક્ષાના કારણે મતદાન દરમિયાન ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




