અરવલ્લી,તા.૫
મહાશિવરાત્રી પર્વના સાંજના સુમારે મોડાસાથી માલપુર તરફ જઈ રહેલા બાઈકને ભેમપુર નજીક તખતગઢ કોલેજ સામે પાછળથી યમદૂત બની ત્રાટકેલી આઈસર ટ્રકના ચાલકે ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક અને પાછળ બેઠેલ બંને યુવકો રોડ સાઈડ ખાડામાં ખાબક્યા હતા. જેને કારણે બંને યુવકોનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે દોડી આવેલી માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક યુવાનના મૃતદેહને માલપુર સરકારી દવાખાને ખસેડી અકસ્માત સર્જી ફરાર આઈશર ટ્રકના ચાલકને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અકસ્માતના પગલે માલપુર સરકારી દવાખાને દોડી આવેલા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.
શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ પર આઈશર ટ્રક ચાલકની બેદરકારીના લીધે બે યુવકોના મોત નિપજતા ભારે ગમગીની છવાઈ હતી. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના બચકરીયા ગામના રણજિત ભાઈ (ઉં.વર્ષ-૨૫) અને કાળુભાઇ (ઉં.વર્ષ-૩૪) મોડાસા કામકાજ અર્થે આવી પરત વતન તરફ બાઈક લઈ તખતગઢ બીએડ કોલેજ પાસેથી પસાર થતા હતા. ત્યારે પાછળથી આઈસર ટ્રકના ચાલકે બેફિકરાઈ ભરી રીતે પુરઝડપે હંકારી બાઈકને પાછળથી ટક્કર મારતા બંને યુવકો આઈશરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત થવાની સાથે રોડ નજીક ખાડામાં ખાબકતા બંને યુવકોના ઘટનાસ્થએ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માલપુર પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી ભીખાભાઇ મણિયાભાઈ ડામોર (રહે,બચકરીયા જીલ્લો.મહીસાગર) ની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર આઈશર ટ્રકના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



