ATM સેન્ટરોમાં કાર્ડ બદલી ત્રણ યુવાનના ૧.૨૪ લાખ ઉપાડી લીધા

0
50

એટીએમ સેન્ટરમાં મદદના બહાને ગઠીયાઓએ ત્રણ બનાવમાં એટીએમ કાર્ડ બદલી તેમજ નજર ચૂકવી રૂ. ૧.૨૪ લાખ ઉપાડી લીધાની ફરિયાદ કાપોદ્રા, સલાબતપુરા અને સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદનો વતની અને સુરતમાં કાપોદ્રા નાનાવરાછા શ્યામધામ પાસે સાંઇકૃપા સોસાયટી ઘર નં. ૨૧માં રહેતો રત્નકલાકાર રાજુ ત્રિકમભાઇ ધામેલિયા (ઉ.વ. ૩૪) મકાનનો હપ્તો ભરવા પૈસા ઉપાડવા તા. ૯મીની રાત્રે આઠ વાગ્યે કાપોદ્રા શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં ગયો હતો. ત્યાં હાજર ૩૦ થી ૩૨ વર્ષના અજાણ્યાએ મદદના બહાને રાજુભાઇનો એટીએમ કાર્ડ બદલી એક દિવસ દરમિયાન સાત વખત ટ્રાન્ઝેકશન કરી રૂ. ૬૪,૧૩૮ ઉપાડી લીધા હતા. અન્ય બનાવમાં ગોડાદરા નહેર આસપાસ રોડ ઋષિનગર સોસાયટી મકાન નં. ૨૮૨માં રહેતો અને સાડીની દુકાનમાં નોકરી કરતો સંતોષકુમાર રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા (ઉ.વ. ૩૪) ગત સવારે ૧૦-૫૦ કલાકે રીંગરોડ રાજ માર્કેટ સ્થિત ઇન્ડસન્ડ બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો ત્યારે ત્યાં હાજર બે અજાણ્યાએ વાતોમાં ભોળવી સંતોષકુમારનું એટીએમ કાર્ડ માંગી નજર ચૂકવી બદલી કાઢી યુવાનના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી રૂ. ૨૫,૦૦૦ ઉપાડી લીધા હતા. વધુ એક બનાવ ત્રણ માસ અગાઉ બન્યો હતો. મૂળ રાજસ્થાનના વતની અને દરજીકામ કરતા ૪૮ વર્ષીય સીતારામ સૂરજમલ ટેલર ગત ૭ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ બપોરે બે વાગ્યે સચીન જીઆઇડીસી રોડ નં. ૨ ઉપર એસબીઆઇના એટીએમમાં પોતાનો નવો એટીએમ કાર્ડ ઓપરેટ કરવા ગયા ત્યારે ત્યાં હાજર ૨૦ થી ૨૫ વર્ષના અજાણ્યાએ પોતાની ઓળખ બેંક કર્મચારી તરીકે આપી એટીએમ કાર્ડ પીન જનરેટ કરવા લઇ રૂ. ૩૫,૦૦૦ ઉપાડી લીધા હતા. ત્રણેય બનાવો અંગે ભોગ બનનારાઓએ અનુક્રમે કાપોદ્રા સલાબતપુરા અને સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY