ગેલ ૫૦ અર્ધસદી ફટકારનાર વિન્ડીઝનો ત્રીજા ખેલાડી, સિરીઝ ૧-૧ ની બરોબરી પર
બાર્બાડોઝ,તા.૨૩
વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને પાંચ વનડે સિરીઝની બીજી વનડેમાં ૨૬ રને હરાવ્યું હતું. વિન્ડીઝ માટે શિમરાન હેટમાયરે ૧૦૪ રન બનાવ્યા હતા અને શેલ્ડન કાર્ટરેલે ૫ વિકેટ લીધી હતી. આ સાથે વિન્ડીઝે ૫ વર્ષ પછી ઇંગ્લેન્ડને વનડેમાં માત આપી હતી. તે ઇંગ્લિશ ટીમ સામે છેલ્લે ૨૦૧૪માં એન્ટીગુઆ ખાતે ૧૫ રને જીત્યું હતું. પાંચ મેચની સિરીઝ ૧-૧ ની બરોબરી પર છે.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. વિન્ડીઝે ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૮૯ રન કર્યા હતા.
ક્રિસ ગેલે પોતાના કરિયરની ૫૦મી અર્ધસદી ફટકારી હતી. તે દુનિયાનો ૧૭મોં અને વિન્ડીઝનો ત્રીજા બેટ્સમેન બન્યો હતો. ગેલ પહેલા લારાએ ૬૩ અને ડેસમંડ હાયનેસે ૫૭ અર્ધસદી ફટકારી છે. ૨૧ વર્ષીય શિમરોન હેટમાયરે પોતાના કરિયરની ચોથી સદી ફટકારી હતી. તે ૧૦૪ રને અણનમ રહ્યો હતો અને વિન્ડીઝની ટીમને ૨૮૯ના સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
૨૯૦ રનનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ હતી. તેમણે ૧૦ રનની અંદર બંને ઓપનર્સ ગુમાવી દીધા હતા. જેસન રોય ચાર રને અને જાની બેયરસ્ટો શૂન્ય રને આઉટ થયો હતો. તેમના માટે કેપ્ટ્ન ઓઇન મોર્ગને ૭૦ રન અને બેન સ્ટોક્સે ૭૯ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ ૨૨૮ રનના સ્કોરે ૪ વિકેટ ગુમાવી જીત તરફ અગ્રેસર હતું. ૩૫ રનમાં અંતિમ ૬ વિકેટ ગુમાવી દેતા તેઓ નાટકીય રીતે હારી ગયા હતા.
તેમની ટીમ ૪૭.૪ ઓવરમાં ૨૬૩ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. વિન્ડીઝ માટે શેલ્ડન કાટરેલે ૫ વિકેટ અને જેસન હોલ્ડરે ૩ વિકેટ લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




