બનાસકાંઠા,તા.૧૧
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા કૂદકેને ભૂસકે દિનપ્રતિદિન વધી રહી છે. ત્યાં બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઇવે પર એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા. શનિવારે વહેલી સવારે ડીસા-ભીલડી હાઇવે પર ૨ ટ્રેલર સામ સામે અથડાતા ૨ લોકોના મોત નિપજ્યા. આ ઘટનામાં આગમાં ડ્રાઇવર અને ક્લીનર જીવતા ભૂંજાયા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ડીસા ભીલડી હાઇવે પર એક ટેકનિકલ કારણોસર એક ટ્રેલર હાઇવે પર ઉભું હતું, ત્યારે પાછળથી બીજું એક ટ્રેલર ધડાકાભેર અથડાયું હતું. આ ઘટના બનતા ટ્રેલરમાં આગ લાગી હતી, જેમાં ટ્રેલરના ડ્રાઇવર અને એક ક્લિનરનું મોત નિપજ્યું હતું.
આગ લાગવાની ઘટનાની જાણ થતાં બે ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ ઘટનામાં અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં જીવતા જ ભૂંજાયા હતા. આ ઘટનામાં જાણવા મળે છે કે, કોલસા ભરેલું ટ્રેલર પૂરપાટ ઝડપે જઇ રહ્યું હતું, ત્યારે તેના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રેલર રસ્તા પર પડેલા ટ્રેલર સાથે અથડાયું હતું. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





