ભાવનગર,તા.૧૦
વરતેજ રેલવે સ્ટેશન સામે આવેલી વાડીમાં ભાગીયું રાખી ખેતી કામ કરતા અને ત્યાં જ રહેતા મહેશભાઇ સામતભાઇ રાઠોડ(ઉ.વ.૨૫) અને તેમના પત્ની કાજલબેન મહેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૪), તેમની દીકરી ક્રીષ્ના (ઉ.વ.૨) તથા બીજી એક બાળા નીશા અશોકભાઇ રાઠોડ (ઉ.વ.૬) મોટર સાયકલ નંબર જી.જે.૦૪.ડી.એચ.૫૯૧૫ પર બેસી દવા લેવા માટે સિદસર રોડ પરથી જઇ રહ્યા હતા. તે વખતે પાછળથી માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર પરિવાર ફંગોળાઇ ગયો હતો અને ગંભીર ઇજા થતા પતિ મહેશભાઇની નજર સામે તેમના પત્ની કાજલબેન અને માસુમ પુત્રી ક્રીષ્નાના મોત નીપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં ગંભીર ઇજા પામેલ મહેશભાઇ તથા નાની બાળા નીશાને ૧૦૮ ઇમરજન્સી મારફત સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પીટલમા ખસેડાયા હતા.
આ બનાવમાં મહેશભાઇ પોતાની દિકરી ક્રીષ્ના અને ભાઇ અશોકભાઇની દિકરી નીશા માટે સિદસર ખાતે આવેલ તબીબને ત્યાં દવા લેવા માટે જઇ રહ્યા હતા તે વખતે આ દુર્ઘટના સર્જાવા પામી હતી. બનાવની જાણ થતા વરતેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડી આ ઘટનામાં મૃત્યુ પામેલ માતા-પુત્રીના મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડી ડમ્પર ચાલક સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. જો કે ઘટના બાદ ડમ્પર ચાલક પોતાનુ વાહન મુકી નાસી ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





