ભાવનગર,તા.૫
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહેરના સિદસર રોડ ખાતે ખેલ મહાકુંભના સમાપન સમારોહ સાથે સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આ સમાપન સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધીઓ મેળવાનારા ગુજરાત રાજ્યના ખેલાડીઓને સમ્માનિત કરવામાં આવ્યા. તેમજ ૪૦ કરોડથી વધારેની ઇનામની રકમ વિતરણ કરી ખેલાડીઓને સમ્માનિત કરાયા છે. આ ખેલ મહાકુંભમાં ૪૨ લાખથી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ જન-જન સુધી ખેલકુદનું મહત્વ પહોંચે તેવા હેતુથી શરૂ થયેલા ખેલમહાકુંભની ૯મી એડિશનની પુર્ણાહુતીમાં ભાગ લેનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. તેમજ તેમણે મહાભારત કાળમાં ચોપાટ(ચેસ) અને ગેડી-દડો રમતનો ઉલ્લેખ કરી પ્રાચીન કાળથી દેશમાં રમતોનું ખુબ મહત્વ છે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ ૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલુ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને સ્પોટ્ર્સ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું છે. તેમજ સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશિપનું ઉદ્ધાટન કર્યું છે.
કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હોવા છતાં હાજર રહ્યાં નહોતા. આ અગાઉ પણ ઘોઘ-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસમાં પણ હાજર રહ્યાં નહોતા ત્યારે તેમની આ કાર્યક્રમમાં ગેરહાજરી અનેક સવાલો ઊભા કરે છે. પરંતુ સંસદમાં શિયાળું સત્ર શરૂ હોવાથી તેઓ હાજર નથી રહી શક્યા તેવું નજીકના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્ટેજ છોડ્યા બાદ આગનું છમકલું થયું હતું. જો કે, ફાયરસેફ્ટીના સાધનો વડે તેને કાબૂમાં લેવાયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




