(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પારસનગર પાસે આવેલા આકાશગંગા મેદાનમાંથી પાંચથી છ મહિનાનું ભ્રુણ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ઘાટલોડિયા પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આ ભ્રુણ કોણ અહીં નાંખી ગયુ અને આ ગુનામાં કોની સંડોવણી છે તે સહિતના મુદ્દાઓની તપાસ આરંભી છે. ઘાટલોડિયા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં કેટલાક સ્થાનિકોના નિવેદનો લઇને પણ પૂછપરછ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પારસનગર પાસે આકાશગંગા એપાર્ટમેન્ટ નજીક એક વિશાળ મેદાન આવેલું છે, ખુલ્લા મેદાનની જગ્યાનો લાભ લઇ ગઇ મોડી સાંજે કે તે પછીના સમયે કોઇ અજાણી વ્યકિત પાંચથી છ મહિનાના બાળભ્રુણને ફેંકી જતી રહી હતી. જે અંગે ઘાટલોડિયા પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અંગે એફએસએલની પણ મદદ લીધી હતી. બીજીબાજુ, આકાશગંગાના આ મેદાન પાસે શાકમાર્કેટ અને અન્ય ચીજવસ્તુઓનું માર્કેટ પણ સાંજના સમયે પણ ભરાતું હોય છે, તેથી પોલીસે સ્થાનિક રહીશોની સાથે સાથે કેટલાક વેપારીઓ અને ફેરિયાઓને પણ આ સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. પોલીસે આ ભ્રુણ અહીં કોણ નાંખી ગયુ અને આ ગુનામાં કોની સંડોવણી છે તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મેદાનમાંથી આ પ્રકારે ભ્રુણ મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, લોકોમાં અનેક તર્ક વિતર્કો અને અટકળો સર્જાયા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"