ભુજ કોર્ટે POCSO એક્ટ અંતર્ગત બળાત્કારીને 10 વર્ષની સજા

0
109

ભુજઃ 2012માં અમલમાં મુકાયેલાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO)ના કચ્છ જિલ્લાના પ્રથમ કેસમાં આજે ભુજની વિશેષ કૉર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આ કેસ આરોપી પર ‘અંડર ટ્રાયલ’ ચાલ્યો ને આજે કૉર્ટે 50 પાનાનાં ચુકાદામાં આરોપી પર લાગેલી આઈપીસી અને પોક્સોની તમામ કલમ હેઠળ કેદ અને દંડની સજા ફટકારી છે.

આરોપી મહેશ ઊર્ફે પેંડો રમેશ નીમાવત સામે બીજી માર્ચ 2013નાં રોજ પોક્સોની કલમો તળે ફરિયાદ દાખલ થઈ હતી. સમગ્ર કેસ ‘અંડર ટ્રાયલ’ ચાલ્યો છે. ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતી એક 14.5 વર્ષની સગીરાને તેણે પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ તેને લગ્નની લાલચ આપી રાજકોટ લઈ ગયો હતો અને ત્યાં પણ દુષ્કર્મ આચરેલું. વારંવાર સહવાસના કારણે સગીરા ગર્ભવતી થઈ હતી. જો કે, યોગાનુયોગે કુદરતી રીતે સગીરાનો ગર્ભપાત થઈ ગયો હતો.

ગર્ભના ડીએનએ ટેસ્ટના પરીક્ષણે દુષ્કર્મ પુરવાર કર્યું

મહેશે કરેલાં દુષ્કર્મના પગલે પીડિતા ગર્ભવતી થઈ હતી. દરમિયાન, તેના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યોગાનુયોગે તે પછીના દિવસોમાં પીડિતા શૌચક્રિયા માટે ગઈ ત્યારે કુદરતી રીતે ગર્ભપાત થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે અર્ધવિકસીત ગર્ભ કબ્જે કરી તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મહેશે જ દુષ્કર્મ આચર્યું હોવાનું પુરવાર થયું હતું. સ્પેશિયલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વર્તમાન સમયમાં આ પ્રકારના ગુનાઓ વધી રહ્યાં હોઈ આરોપીને સખત કેદ કરવા દલીલ કરી હતી. જેને કૉર્ટે ગ્રાહ્ય રાખી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ધરપકડ થયા બાદ આરોપી જ્યુડિસિયલ કસ્ટડીમાં જ છે. પોક્સોનો પહેલો કેસ હોઈ તપાસ એજન્સીઓએ તમામ મજબૂત પૂરાવા એકત્ર કર્યાં હતા.

POCSO અને IPC હેઠળ આરોપીને કુલ 10 વર્ષની કેદ, 20 હજાર દંડ

ભુજની પોક્સો કૉર્ટના વિશેષ જજ એલ.જી.ચુડાસમાએ આજે આપેલાં 50 પાનાના ચુકાદામાં આરોપીને આઈપીસી 363 હેઠળ 3 વર્ષની કેદ અને 2 હજારનો દંડ, આઈપીસી 366 હેઠળ 7 વર્ષની કેદ અને 3 હજારનો દંડ, આઈપીસી 376 હેઠળ 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ, પોક્સોની કલમ 4 હેઠળ 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ તેમજ પોક્સોની કલમ 5 એલ હેઠળ 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે.

રિપોર્ટર: ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY