ગુજરાત CID ક્રાઈમ બ્રાન્ચ બીટકોઈનની તપાસમાં એક પગલું આગળ વધે છે, ત્યારે આ કેસના ભેજાબાજ CID ક્રાઈમને થાપ આપી, બે ડગલા આગળ નીકળી જાય છે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ધમકાવી પહેલા CID ઈન્સ્પેક્ટરે પાંચ કરોડ પડાવ્યા, અને ત્યાર બાદ અમરેલીના SP જગદીશ પટેલ અને ઈન્સ્પેક્ટર અનંત પટેલે યોજના બનાવી 12 કરોડના બીટકોઈન પડાવી લીધા હતા. આ તમામ ઘટનાઓમાં કડીરૂપ મુખ્યસુત્રધાર શૈલેષ ભટ્ટનો ભાગીદાર કિરીટ પાલડીયા છે, આ મામલે ગુજરાત CID ક્રાઈમ બ્રાન્ચ સામે ડાહી-ડાહી વાતો કરી પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈ હવે કિરીટ પાલડીયા અને તેના સાથીદારો સુરત છોડી થાઈલેન્ડમાં પહોંચી ગયા છે. હવે કદાચ ક્યારેય ગુજરાત પોલીસ તેમના સુધી પહોંચી શકશે નહીં.
શૈલેષ ભટ્ટને CID અને અમરેલી પોલીસ દ્વારા ધમકાવવામાં આવ્યા તેમાં કિરીટ પાલડીયા બન્ને એજન્સીઓ માટે વચેટીયો હતો. કિરીટ પાલડીયાએ સમગ્ર ઘટનામાં માસ્ટર માઈન્ડ હોવાની હકીકત બહાર આવી છે. નોટબંધી બાદ સુરતમાં વસતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજનેતાઓ અને IAS અને IPS અધિકારીઓને પોતાનું કાળું નાણુ ક્યાં મૂકવું તે એક મોટો પ્રશ્ન હતો, ત્યારે કિરીટ પાલડીયાએ હેસ્ટ્રા કોઈન, બીટકેપીટલ અને બીટકોઈન જેવી કંપનીનો તે અમેરીકાનો પ્રતિનિધિ છે, તેવી ઓળખ આપી નેતાઓ, વેપારીઓ અને પોલીસ અધિકારીને આ પ્રકારની ડિજિટલ કરન્સીમાં રોકાણ કરાવ્યું હતું. જાણકારોની માહિતી પ્રમાણે કિરીટ સાયબર ક્રાઈમનો માહિર ખેલાડી છે. કેટલીક ડિજિટલ કરન્સી તો તેણે સુરત નજીકના એક ફાર્મમાં પોતે જ બનાવી વિદેશી ડિજિટલ કરન્સી હોવાનું જાણવી કરોડો રૂપિયા લોકો પાસે રોકાવ્યા છે.
એક તરફ મોટા માથાઓને આ પ્રકારની ડિજિટલ કરન્સીમાં રોકાણ કરાવે ત્યારે તે માહિતી પોતે CID અને પોલીસને આપી તેમને તોડ કરાવી તેમની ડિજિટલ કરન્સી ટ્રાન્સફર કરાવી લેતો હતો. સૂત્રોની જાણકારી પ્રમાણે કિરીટના આ કામમાં તેના સહયોગી તરીકે સતીષ કુંભાણી, સંદીપ પટેલ, અંકુર ધોળકીયા અને ઘવલ પટેલ નામના વ્યક્તિઓ પણ સામેલ હતા. જો કે શૈલેષ ભટ્ટે આ મામલે ફરિયાદ કરી દેતા કિરીટ પાલડીયા એન્ડ કંપનીને અંદાજ આવી ગયો કે હવે ગમે ત્યારે આપણો ભાંડો ફૂટશે અને CID ક્રાઈમ તેમના સુધી પહોંચી જશે તેવો ડર લાગ્યો હતો કારણ કે એક અંદાજ પ્રમાણે કિરીટ પાલડીયાએ વિવિધ લોકો પાસેથી આઠ હજાર કરોડ કરતા વધુ રકમ ભેગી કરી છે. આ આખી ઘટનામાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સત્તાવાર રીતે ક્યાંય નથી, છતાં તેમની ભૂમિકા મહત્ત્વની હોવાની જાણકારી છે.
કિરીટ પાલડીયાનો અસલી ચહેરો CID સામે ખુલ્લો થાય તે પહેલા સુરતના L 1819/ વેસ્ટ ફિલ્ડ બિલ્ડીંગમાં હેમલ ઠક્કરને ત્યાં એક મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં હેમલ ઠક્કરે અને અંકુર ખોખરે કિરીટ પાલડીયા એન્ડ કંપની ભારત છોડી થાઈલેન્ડ જતા રહેવાની તમામ વ્યવસ્થા કરી આપી હતી. કિરીટ અને તેના સાથીઓ હાલમાં થાઈલેન્ડના અતિ વૈભવી કરબી હોલીડે રિસોર્ટમાં મઝા કરી રહ્યા છે. કરબી હોલીડેની માલિકી ગોંડલના દિવ્યેશ પાથળ અને સુરતના કિરણ ટીલાળાની છે. આમ શૈલેષ ભટ્ટના એકાઉન્ટમાંથી 12 કરોડના બીટકોઈન સંદીપ પટેલના એકાઉન્ટમાં ઈન્સ્પેક્ટર અનંત પટેલે કેવી રીતે ટ્રાન્સફર કર્યા અને મુંબઈમાં 10 કરોડમાં બીટકોઈન કેવી રીતે વેચાયા તે મુદ્દે કિરીટ અને સંદીપની CID તપાસ કરે તે પહેલા તેઓ ભારત છોડી નીકળી ગયા છે.
આમ આ મુદ્દે મહત્ત્વની ભૂમિકા અદા કરનાર કીરીટ પાલડીયા અને તેના સાથીઓ હવે પોલીસને પહોંચથી બહાર છે. જ્યારે આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટને CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ અને નિવેદન માટે હાજર રહેવાની તાકીદ કરી હોવા છતાં હવે તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાનો મુદ્દો ઊભો કરી રક્ષણની માગણી કરી રહ્યા છે. જો તેમને રાજ્ય પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવે તો જ તેઓ ગુજરાત પાછાં ફરશે એવું તેમનું કહેવું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"