ન્યુ દિલ્હી,તા.૧૦
પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના વિરોધમાં આજે કોંગ્રેસના ભારત બંધ દરમિયાન બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, ઓડિશા, કર્ણાટક, ગુજરાત સહિત અનેક સ્થળોએ હિંસા અને તોડફોડની ઘટનાઓ બની હતી.
બંધ દરમિયાન બિહારમાં હિંસક દેખાવો થયા હતા અને કેટલાંય સ્થળોએ આગચંપી અને પથ્થરમારાના બનાવ બન્યા હતા. બિહારમાં અનેક સ્થળોએ ટ્રેનો રોકવામાં આવી હતી. પટણામાં હિંસા આચરી રહેલા દેખાવકારોને વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસીઓને પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી.
બિહારના શેખપુરામાં બંધ સમર્થકોએ હાવરા-ગયા એકસપ્રેસ, નાલંદામાં શ્રમજીવી એકસપ્રેસ રોકી હતી. આરા સ્ટેશને વિક્રમશીલા એક્સપ્રેસ રોકવામાં આવી હતી. રાંચી-પટણા ઇન્ટરસિટી ટ્રેનને પણ જહાનાબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
મુંબઇમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી હતી. મુંબઇમાં ભારત બંધ દરમિયાન દેખાવો કરી રહેલા કોંગ્રેસના નેતા સંજય નિરુપમ સહિત કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇના અંધેરી વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક ચવ્હાણના નેતૃત્વમાં લોકલ ટ્રેન રોકવામાં આવી હતી.
જ્યારે પરેલ વિસ્તારમાં દુકાનો બળજબરીપૂર્વક બંધ કરાવવામાં આવી હતી. પુણેમાં મનસેના કાર્યકરોએ બંધ દરમિયાન એક બસને આગ ચાંપી હતી. બેગુસરાઇમાં બંધ સમર્થકોએ સ્ટેશન પર ટ્રેનો રોકીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોંગી કાર્યકરોએ પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન એક પોલીસકર્મીને પણ માર મારવામાં આવ્યો હતો. આ અથડામણમાં એક વ્યકિત ઘાયલ થઇ હતી. ઉજ્જૈનની દરગાહમંડી નજીક કોંગ્રેસી કાર્યકરોએ તોડફોડ કરી હતી.
ઉત્તર પ્રદેશના દેવરિયામાં કોંગ્રેસી કાર્યકરોએ બળજબરીપૂર્વ દુકાનો બંધ કરાવી હતી. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના ર૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. હાવડા રેલવે સ્ટેશન નજીક ડાબેરી સમર્થકો દ્વારા એક ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના સાઉથ ર૪ પરગણામાં લક્ષ્મીકાંતપુરમાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ટ્રેનની ઇલેક્ટ્રિક લાઇનો પર કેળાંની છાલ ફેંકી હતી, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
આ તમામ કાર્યકરો દુર્ગાપુર રેલવે સ્ટેશનમાં બળજબરીપૂર્વક ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. છત્તીસગઢમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ સામે ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા અને મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પૂર્વોત્તર રાજ્યમાં પણ ભારત બંધની વ્યાપક અસર જાવા મળી હતી.
ગુવાહાટીમાં કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ઊતરી આવીને વિરોધ દેખાવો કર્યા હતા. દક્ષિણનાં રાજ્યમાં કેરળમાં સૌથી વધુ ભારત બંધની અસર જાવા મળી રહી છે. કેરળમાં મોટા ભાગની દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ છે અને રાજ્યએ બસ સેવાઓ પણ બંધ કરી દીધી છે.
ઓડિશાના સંબલપુરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટ્રેનો રોકી હતી. બિહારના દરભંગા અને જહાનાબાદમાં આરજેડીના કાર્યકરોએ રેલવે ટ્રેક અને અન્ય કેટલીક જગ્યાઓ પર આગ લગાવી દેતાં ભયના માહોલ ફેલાયો છે. મોતીહારિમાં નેશનલ હાઈવે-૨૮ જામ કરી દેવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




