ઢાકા,તા.૨૬
બંગલાદેશના વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે દેશની પોલીસે ચાલુ સપ્તાહની ચૂંટણીની પહેલાં વિપક્ષના ૧૦,૫૦૦થી વધુ કાર્યકરની ધરપકડ કરી હતી. અગાઉ, અમેરિકાએ બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાની સરકારને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા અનુરોધ કર્યો હતો. વિપક્ષોએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત આઠમી નવેમ્બરે કરાઇ હતી અને તે પછી ભય ફેલાવવા માટે હજારો લોકોની ધરપકડ કરાઇ હતી.
બંગલાદેશ નૅશનાલિસ્ટ પાર્ટીના નેતા ખાલેદા ઝિયા ૧૭ વર્ષની જેલની સજા વિતાવી રહ્યા છે. આ વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે અમારા ૭,૦૨૧ કાર્યકરની અટકાયત કરાઇ હતી.જમાતે ઇસ્લામીના મહામંત્રી શફિકુર રહેમાને જણાવ્યું હતું કે દેશભરમાં અમારા પક્ષના સરેરાશ દરરોજ ૮૦થી ૯૦ કાર્યકરની ધરપકડ કરાતી હતી અને તેને લીધે અનેક લોકોમાં ડર બેસી ગયો હતો.
પોલીસ પ્રવક્તા સોહેલ રાણાએ પકડાયેલી વ્યક્તિઓના ચોક્કસ આંકડા નહોતા આપ્યા, પરંતુ દાવો કર્યો હતો કે અમે કોઇની વિના કારણ ધરપકડ નહોતી કરી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોઇ વ્યક્તિ કાયદાનો ભંગ ન કરે ત્યાં સુધી તેની ધરપકડ નથી કરતા. બંગલાદેશમાં ૧૯૯૧માં લોકશાહીનો અમલ કરાયો ત્યારથી હસીના અને ઝિયા રાજકીય કટ્ટર હરીફ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




