પશુપાલકોમાં રોષની લાગણી : પાંજરાપોળ કે ઢોરવાડમાં ઢોરોની સરખી કાળજી નહીં લેવાતા ઢોરના મોત થાય છે
અમદાવાદ, તા.૧૩
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તા પર રખડતાં ગાય સહિતનાં ઢોર ભારે સંવેદનશીલ મુદ્દો બન્યો છે. હાઇકોર્ટના વારંવારના નિર્દેશો છતાં શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા યથાવત્ રહી છે. બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશો આવા રખડતા ઢોરોને પકડીને મ્યુનિસિપલ ઢોરવાડામાં પૂરે છે પરંતુ છેલ્લા એક વર્ષમાં મ્યુનિ.ઢોરવાડામાં ૧૨૮૮ જેટલા ઢોરોના મોત થતાં એક નવો વિવાદ જાગ્યો છે. બીજીબાજુ, પશુપાલકોમાં આટલા બધા ઢોરોના મોતને લઇ ઉગ્ર રોષ અને નારાજગીની લાગણી ફેલાઇ છે. તેમણે અમ્યુકો અને ઢોરવાડના સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, પાંજરાપોળ કે ઢોરવાડમાં ઢોરોની સરખી કાળજી લેવાતી નથી, તેનું આ પરિણામ સામે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરને પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂરવામાં આવે છે. જો કે આ ઢોરવાડામાં પુરાયેલા ઢોરમાં ગાય, વાછરડાં સહિતનાં પશુનાં મોતનું પ્રમાણ ભારે ચોંકાવનારું છે, જેનાં કારણે ઢોરવાડામાં પશુઓનાં મોત માટે જવાબદાર કોણ, તંત્ર કે માલધારીઓ તેવો ભારે વિવાદ ઊભો થયો છે. શહેરમાં બિસમાર રસ્તા ટ્રાફિકની સમસ્યા અને રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનાં ચુકાદામાં ગત ઓગસ્ટ મહિનામાં એમ.આર. શાહની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ કરીને રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા જવાબદાર માલધારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તાકીદ કરી હતી. અમ્યુકો તંત્ર દ્વારા દરરોજ ૬૦ ઢોરનાં બદલે ૧૦૦ ઢોર પકડાઇ રહ્યાં છે. આ ઉપરાંત પકડાતાં ઢોર માટે વસૂલાતા દંડ અને વહીવટીચાર્જમાં ત્રણ ગણો વધારો કરાયો છે. ઢોરનું ટેગિંગ કરાઇ રહ્યું છે તેમ છતાં આજે પણ ગાય સહિતના ઢોરનો રોડ પરનો અડિંગો જૈસે થે રહ્યો છે તો મ્યુનિસિપલ ઢોરવાડામાં ગાય, વાછરડાં સહિતનાં ઢોરનાં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે. ફક્ત ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮નાં તંત્રનાં સત્તાવાર આંકડાને તપાસીએ તો સત્તાવાળાઓ દ્વારા કુલ ૧૪૬૯૯ ઢોર પકડાયાં હતાં, જે પૈકી ૩૪પ૯ ઢોરને રૂ.૯૭.૪૮ લાખનો દંડ વસૂલીને છોડાયા હતા અને ૭૧૪૯ ઢોરને મુંબઇની પાંજરાપોળમાં મોકલાયા હતા. જ્યારે ઢોરવાડામાં કુલ ૧ર૮૮ ઢોર હતા. થોડા જ સમયગાળામાં ઢોરવાડામાં જ મરણને શરણ થયાં હતાં. બહેરામપુરાનાં ઢોરવાડાને કરુણામંદિર એવું સોહામણું નામ અપાયું છે પરંતુ આ ઢોરવાડો ત્યાં પુરાતાં ઢોર માટે સંકટરૂપ બન્યો છે.
ઢોર માટેના કુલ ત્રણ શેડ પૈકી એક શેડ પૂરેપૂરો ખવાઇ ગયો છે. આ શેડને આખો નવો કરવો જરૂરી બન્યો છે. ચોમાસામાં ખવાયેલા શેડ નીચે બંધાયેલા ઢોરની હાલત ખૂબ દયનીય બને છે, કેમ કે વરસાદની સીધી ધાર ઢોર પર પડે છે. ઢોરવાડાનું ફ્લોરીંગ પણ તદ્દન ઊબડખાબડ હાલતમાં છે. સાદું માટીનાં લીંપણથી કરાયેલું ફ્લોરીંગ વરસાદી મોસમમાં કાદવ-કીચડમાં ફેરવાઇને ઢોરને માંદગીનાં હવાલે કરે છે. ઢોરને લાવવા લઇ જવાના રેમ્પ તૂટેલીફુટેલી હાલતમાં છે. આમ ઢોરવાડાની અંદરની હાલત પુરાયેલા ઢોર માટે પહેલી નજર કરુણા ઉપજાવે તેવી છે. તો ઢોરોના મૃત્યુને લઇ માલધારીઓ સામે પણ ગંભીર પ્રકારના આક્ષેપ તંત્ર દ્વારા ઊઠી રહ્યા છે. માલધારીઓ પોતાના ઢોરને રસ્તા પર રઝળતા મૂકી દેતા હોઇ તે પેટની ભૂખ સંતોષવા પ્લાસ્ટીક, એંઠવાડ સહિતનો ગાર્બેજ ખાવા વિવશ બનીને માંદી પડે છે અને તંત્ર દ્વારા માંદી હાલતમાં પકડાયેલી હોઇ ઢોરવાડામાં તેનું મૃત્યુ થાય છે. મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.પ્રતાપસિંહ રાઠોડે બચાવ કર્યો હતો કે, તંત્ર પચાસ ટકા જેટલી માંદી ગાય પકડે છે તો તેનું મુખ્ય કારણ માલધારીઓ દ્વારા ઢોરને પૂરતું પોષણ અપાતું નથી તે છે. ઢોરવાડાનાં બંધિયાર વાતાવરણમાં વાછરડા જલદી મૃત્યુ પામે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



