દુબઈ,તા.૮
ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રવિવારનાં રોજ આૅસ્ટ્રેલિયા સામેની મેચમાં ‘બલિદાન બૈઝ’ નહીં પહેરે તે સ્પષ્ટ થઈ ગયું છે. ગ્લવ્સ વિવાદ પર બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિનાં પ્રમુખ વિનોદ રાયે કહ્યુ છે કે તેઓ આઈસીસીનાં નિયમોની વિરુદ્ધ નહીં જાય. જે પણ આઈસીસીનાં નિયમ હશે તે પ્રમાણે જ બીસીસીઆઈ પોતાનો નિર્ણય કરશે.
આ પહેલા એક રીપોર્ટ અનુસાર ધોનીએ પણ આઈસીસીને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેના આ ગ્લવ્સથી નિયમોનું ઉલ્લંઘન થાય છે તો તે વર્લ્ડ કપમાં હવે ‘બલિદાન બૈઝ’વાળા ગ્લવ્સ નહીં પહેરે. ધોનીનાં આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા થઈ રહી છે. લોકો તેને મેચ વિનરની સાથે સાથે દિલ જીતી લેનારો ખેલાડી ગણાવી રહ્યા છે. ધોનીએ કહ્યુ કે જો તેના બલિદાન બૈઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનાં નિયમોનું ઉલ્લંઘન થાય છે તો તેઓ ખુશી-ખુશી ગ્લવ્સ ઉતારી દેશે.
દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના વિકેટકીપિંગ ગ્લવ્સ પર બલિદાન બૈઝનો લોગો લગાવ્યો હતો. ત્યારબાદ ગુરૂવારનાં રોજ આઈસીસીએ બીસીસીઆઈને અપીલ કરી હતી કે ધોનીને કહેવામાં આવે કે તે પોતાના ગ્લવ્સ પરનાં બલિદાન બૈઝને હટાવીને આગળની મેચમાં રમવા ઉતરે, ત્યારબાદ આખા દેશમાં હંગામો મચી ગયો હતો અને લોકો ધોનીનાં પક્ષમાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





