હૈદરબાદ,તા.૧૭
તાજેતરમાં આયોજિત ‘ગગનશક્તિ’ કવાયતમાં ભારતીય વાયુ દળની કોઈપણ આકસ્મિક પડકારને પહોંચી વળવાની કાબેલિયતનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું ઍર સ્ટાફના વડા બી.એસ. ધનોઆએ જણાવ્યું હતું.
હાલમાં પૂરી થયેલી ગગનશક્તિ કવાયતમાં વાયુ દળની સુસજજતાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. દેશની બહારની આ કવાયતમાં વાયુ દળની લગભગ બધી કાબેલિયતને આવરી લેવામાં આવી હતી. દેશની નોર્ધન, વેસ્ટર્ન અને ઇસ્ટર્ન ફ્રન્ટ પરના ઓપરેશન્સને સાંકળી લેતી આ કવાયત હોવાનું એર ચીફ માર્શલ ધાનોઆએ શહેરના સીમાડે આવેલા ડીંડીગુલની વાયુ દળની એકેડેમીના સ્નાતક ઉમેદવારોની પરેડ પ્રસંગે કરેલા સંબોધનમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યુ હતું કે દેશની જુદી જુદી જરૂરિયાતને અનુલક્ષીને વાયુ દળનું ઝડપી અત્યાધુનિકરણ કરવામાં આવ્યું છે.
પારંપરિક દૃષ્ટિએ આપણો દેશ યુદ્ધ લડી રહ્યો ન હોવા છતાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા વાયુ દળે સુસજજ રહેવું જોઈએ. પછી તે ત્રાસવાદી હુમલો હોય કે સાઈબર સલામતીની દહેશત હોય, બંડખોરી, કુદરતી આફત અથવા એવી કોઈ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવતી ફરજ બજાવવા તૈયાર રહેવું જાઈએ.
કમ્બાઇન ગ્રેજ્યુએશન પરેડ પ્રસંગે ૧૩ મહિલા તાલીમાર્થી સહિત કુલ ૧૧૩ ફ્લાઈટ કૅડેટ્સને ઍરફોર્સની એકેડેમીમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. વાયુ દળમાં ફ્લાઈંગ ઓફિસર મેઘના શાનબાગનો મહિલા ફાઈટર પાઈલટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



