ઇડર,તા.૩૧
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ સાબરકાંઠાના ઈડરમાં નાગરિક સહકારી બેંકના સુવર્ણજયંતિ ઉજવણી સમારોહમાં હાજરી આપી હતી. આ બેંકની સ્થાપના ૧૯૬૯માં થઈ હતી. ૧૫૫૮૦ સભાસદો અને ૨૬૨ લાખના શંરભંડોળ સાથેની આ સહકારી બેંક ગ્રાહકોને ડિજિટલ બેંકિંગની સેવાઓ પણ પૂરી પાડે છે.
મુખ્યપ્રધાને સરપ્રભાત હાઇસ્કૂલમાં રૂ. પ૦ લાખના નવનિર્મિત જૂડો હોલ લોકાર્પણ કર્યુ હતું. તેમણે ઇડર પાંજરાપોળની પ્રત્યક્ષ મૂલાકાત લઇને ગૌ માતાને ઘાસચારાનું નિરાણ કરીને ખોળ ખવરાવ્યા હતા. મુખ્યપ્રધાને સહકારી બેન્કીંગ ક્ષેત્ર હવે નાના માણસની મોટી બેંકના રૂપમાં વિસ્તર્યુ છે અને આગવી શાખ-વિશ્વાસની મૂડી ઊભી કરી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યપ્રધાને ઉમેર્યુ કે સહકારી બેંકોએ રાષ્ટ્રીયકૃત બેંકો સાથે સ્પર્ધાત્મકતાના વાતાવરણમાં સક્ષમ સ્થિતી ઊભી કરી છે તેના પાયામાં સામાન્યમાં સામાન્ય માનવી-ખાતેદારની સેવા ભાવના પડેલી છે. મુખ્યપ્રધાને ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોમાં સહકારી બેંકોના ઉઠમણાના સમાચારો આવતા તેની આલોચના કરતા કહ્યું કે, ભાજપા સરકારે સહકારી બેન્કીંગ ક્ષેત્રે વિશ્વાસ-પારદર્શીતા અને ભરોસાનીસ્થિતીનું નિર્માણ કર્યુ છે. આના પરિણામે રાજ્યની સહકારી બેંકોમાં લોકોનો વિશ્વાસ પૂનઃ પ્રસ્થાપિત થયો છે.
ઇડર સહકારી બેંકનો ઉલ્લેખ કરી મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ઇડર સહકારી બેંકે પ૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેની આ અડીખમ સેવામાં બેંકની નિસ્વાર્થ સેવા દેખાય છે. પોતાની મરણમૂડી મૂકનાર ખાતેદારનો વિશ્વાસ ટકાવી રાખવાનું કામ બેંકે સુપેરે પાર પાડયું છે અને હજી ચાલુ છે તે અભિનંદનીય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



