૪૦ જેટલી આતંકીઓની પત્નીઓને ફાંસીની સજા ફટકારાઈ
ન્યુ દિલ્હી,તા.૩૦
વિશ્વના દેશોમાં આતંકી પ્રવૃત્તિઓ કરનારાઓ પર કાર્યવાહીને લઇને કેવું સખત વલણ અપનાવાય છે તેનું ઇરાકી કોર્ટે કરેલી કાર્યવાહીમાં પ્રતિબિંબ પડી રહ્યુ છે. આઈએસઆઈએસના ખાતમા બાદ હાલમાં ધરપકડ કરાયેલા આતંકીઓ અને તેના સપોર્ટરો પર કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમાં આતંકીઓની પત્નીઓ પર પણ કેસ પણ છે. જેમાં ૧૦ મિનિટની કાર્યવાહીમાં ૪૦ જેટલી આતંકીઓની પત્નીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તો કેટલીક મહિલાઓને ઉંમરકેદની સજા પણ ફટકારી છે.આઇએસ આતંકીઓને સાથ આપવાના આરોપમાં અંદાજે ૧૦૦૦ મહિલાઓ અને યુવતીઓ ઇરાકની જેલમાં બંધ છે, જેમાંથી ૪૦ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સજા મેળવનાર મોટાભાગની મહિલાઓ વિધવા છે અને તેઓ પોતાના બાળકોનું ધ્યાન રાખનાર એકમાત્ર સભ્ય છે. ગાર્ડિયનના રીપોર્ટ પ્રમાણે જ્યારે સજા ફટકારવામાં આવી ત્યારે તે પોતાના બાળકો સાથે બગદાદ સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં હાજર હતી.
આતંકીઓની પત્નીઓએ કોર્ટમાં દલીલ કરી કે તેઓ નિર્દોષ પીડિત છે, જેઓને ગેરમાર્ગે દોરવામાં આવી, તો કેટલીક મહિલાઓએ જણાવ્યું કે અહીં આવ્યાં પહેલા તેઓને એ પણ નહોતી ખબર કે તેનો પતિ આતંકી છે. એક ફ્રેન્ચ મહિલા જેમિલા બુટોટોએ કોર્ટમાં કહ્યુ કે લાંબા વેકેશન બાદ જ્યારે અમે તૂર્કી પહોંચ્યા તો જાણવા મળ્યું કે તેનો પતિ આતંકી છે. તેણીએ જણાવ્યું કે હું આરોપી નહીં, પીડિત છું. જ્યારે હું મારા પતિની કોઇ વાત ઠુકરાવતી તો તે મારી સાથે મારપીટ કરતો અને મને અને મારા બાળકોને ગુફામાં બંધ કરી દેતો હતો. બાળકોથી અલગ પડવાને કારણે રડતી મહિલાઓથી કોર્ટ પરિષદમાં સન્નાટો છવાઇ ગયો હતો. જેમિલા એવી ૧૯૦૦ ફ્રેન્ચ નાગરિકો અને ૪૦૦૦૦ વિદેશીઓમાંથી એક છે, જે આઇએસમાં જાડાવા માટે સીરિયા અથવા ઇરાક આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇરાક અંદાજે ૩ વર્ષ આઇએસના કબજામાં રહ્યુ હતું અને આ દરમિયાન આતંકીઓએ સ્થાનિક લોકો પર ભારે અત્યાચાર ગુજાર્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





