જસદણ,તા.૨૦
જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પર સરકાર મશીનરીના દુરૂપયોગનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરતા રાજનીતિ ગરમાઈ છે. વિરજી ઠુમ્મરનો આક્ષેપ છે કે તેઓ કાર્યકરોને મળવા જતા હતા ત્યારે નવા ગામ પાસે તેમની અટકાયત કરવામાં આવી હતી.
વિરજી ઠુમ્મરે અટકાયતનું કારણ પૂછ્યું તો પોલીસે કારણ જણાવવાનો ઈનકાર કર્યો હતો. વિરજી ઠુમ્મરે પોલીસ પર તેમને માનસિક રીતે હેરાન કરવાનો પણ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ રીતે તેમના ધારાસભ્યોની અટકાયત સામે સવાલ ખડા કર્યા છે અને પોલીસ તથા ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે.
કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના ધારાસભ્યોને કાર્યકરોને મળવા પણ નથી દેવાતા જ્યારે કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહન કુંડારીયા જસદણ ભાજપ કાર્યાલય ખાતે અને પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા ભાડલા ખાતે ઉપસ્થિત હતા. કોંગ્રેસે તેના પુરાવા રૂપે વીડિયો પણ આપ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




