જુનાગઢ,તા.૧૩
જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ૭ બેઠકમાંથી ૩ બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને આચાર્ય પક્ષમાં ઉમેદવાર ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો ૨૪૯ મતે અને પ્રેમસ્વરૂપ સ્વામીનો ૨૪૮ મતે વિજય થયો છે. જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો ૯૯ મતે વિજય થયો છે.
પાર્ષદ વિભાગમાં કુલ ૧૩૨ મતમાંથી ૨ મત રદ થયા, સંત વિભાગમાં ૫૫૬ મતમાંથી ૧ મત રદ થયો અને પાર્ષદ વિભાગમાં કુલ ૧૩૨ માંથી ૨ મત રદ કરવામાં આવ્યા હતા. વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં મતગણતરી પોણો કલાક મોડી શરૂ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સંતની ૨ બેઠક, પાર્ષદની ૧ બેઠક અને ગૃહસ્થની ૪ બેઠક માટેનું મતદાન પૂર્ણ થયું હતું. કુલ સાત બેઠક માટે ૨૭,૭૦૦ કરતા વધુ મતદારો હતા અને ૨૭ ઉમેદવારો મેદાનમાં હતા. દર વખતે ટેમ્પલ બોર્ડની આ ચૂંટણીમાં ભારે વિવાદો સર્જાય છે, ખાસ કરીને આ વખતે આચાર્ય પક્ષ તરફથી ભૂતિયા મતદારો મતદાર યાદીમાં ઘુસાડી દીધાના દેવ પક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો. તો સામે આચાર્ય પક્ષે આવું કઈં નહિ થયું હોવાનું અને નિયમાનુસાર ચૂંટણી યોજાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



