જૂનાગઢ,તા.૧૮
લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે જૂનાગઢના વંથલી ખાતે પહોંચ્યા હતા અને સભા ગજવી હતી. ખેડૂતો, મધ્યમ વર્ગને વાયદા કરતાં રાહુલ ગાંધીએ મોદીના જુઠ્ઠાણાઓ પર પ્રહારો કરતાં કહ્યુ હતું કે, જા લોન ન ચૂકવવા બદલ તમે અનિલ અંબાણી, નિરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોક્સીને જેલમાં ના નાંખી શકો તો પછી દેવું ન ચૂકવી શકવા બદલ ખેડૂતોને જેલમાં નાંખવા તે કિયાનો ન્યાય?
કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીને કોર્પોરેટ તરફી ગણાવતા કહ્યું હતું કે, મોદી છેલ્લા પાંચ વર્ષથી બે હિન્દુસ્તાન બનાવી રહ્યા છે. એક હિન્દુસ્તાન અનિલ અંબાણી, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા લોકોનું. મોદી આ લોકો જે ચાહે છે, તે કરી આપે છે. આ સરકાર માત્ર ૧૫-૨૦ ઉદ્યોગપતિઓ માટે કરે છે. મોદીએ આ ઉદ્યોગપતિઓનું ૩ લાખ ૫૦ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. તેમાં અદાણી, અંબાણી, બધાના નામો છે. જ્યારે ખેડૂતો દેવા માફીની વાત કરે છે, ત્યારે મોદી એવું કહે છે કે, અમે નહીં કરી શકીએ. ઉદ્યોગપતિઓ માટે પૈસા મળી જાય છે. ખેડૂતોના દેવા માફી માટે પૈસા નથી મળતા.
રાહુલે કહ્યું હતું કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં અમે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનાવો. ૧૦ દિવસમાં ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી દઇશું. ગુજરાતમાં સરકાર ન બની. આ જ વાત મેં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કરી હતી કે, ૧૦ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરી આપીશું. માત્ર બે દિવસમાં ત્રણેય સરકારોએ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. અમે જે કહીએ છીએ એ કરીએ છીએ. મોદીએ સૌને વાયદો કર્યો હતો, ૧૫ લાખ બધાના ખાતામાં નાંખીશું. કોઈ છે જેના ખાતામાં મોદીએ ૧૫ લાખ નાંખ્યા?
ન્યાય યોજના વિશે રાહુલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલાં કોંગ્રેસની થિન્ક ટેન્ક બોલાવી હતી. મોદીએ ૧૫ લાખનો જૂઠો વાયદો કર્યો હતો. મેં થિન્ક ટેન્કને કહ્યું હતું કે, જા હિન્દુસ્તાનની સરકાર ઇચ્છે તો ગરીબ લોકોના ખાતામાં ખરેખર કેટલા રૂપિયા નાંખી શકે? મને આનો જવાબ આપો. ગરીબ પરિવારને વર્ષે કેટલા રૂપિયા આપી શકાય. અર્થ વ્યવસ્થા નષ્ટ નથી કરવી. નોટબંધી નથી કરવી. કેટલા રૂપિયા હિન્દુસ્તાનના ૨૦ ટકા ગરીબ લોકોના ખાતમાં સરકાર રૂપિયા નાંખી શકે? મને જવાબ મળ્યો કે, ૭૨ હજાર રૂપિયા દર વર્ષે સૌથી ગરીબ લોકોના ખાતામાં કોંગ્રેસ સરકાર નાંખી શકે. તેનાથી અર્થવ્યવસ્થાને કોઈ નુકસાન નહીં, ફાયદો થશે. મોદીએ નોટબંધી કરી, ગબ્બર સિંઘ ટેક્સ નાંખ્યો, અર્થ વ્યવસ્થામાંથી બધા રૂપિયા કાઢીને અનિલ અંબાણી, નિરવ મોદીને આપી દીધા.
રાહુલે વાયદો કરતાં કહ્યું કે, અમે ૨૦ ટકા ગરીબ લોકોના ખાતામાં વર્ષે ૭૨ હજાર રૂપિયા નાંખીશું. પાંચ કરોડ ગરીબ મહિલાઓના ખાતામાં રૂપિયા નાંખીશું. જો તમારી આવક મહિને ૧૨ હજારથી ઓછી હશે તો કોંગ્રેસ સરકાર વર્ષે ૭૨ હજાર નાંખશે. એ પછી તમે વસ્તુઓ ખરીદવાનું શરૂ કરશો. એનાથી ફેક્ટરીઓ ચાલુ થશે. દુકાનદારો, ખેડૂતો, ફેક્ટરીઓને ફાયદો થશે અને અર્થવ્યવસ્થા પૂનઃ ધબકતી થઈ જશે.
૭૨ હજાર.. ગરીબી પર વાર સૂત્ર આપતા રાહુલે કહ્યું કે, ૭૨ હજાર એ ગરીબી સામે અમારી સર્જીકલ સ્ટ્રાઇક છે. રાહુલે કહ્યું કે, મોદી જ્યાં જાય ત્યાં ખોટું બોલે છે. ખેડૂતોને સાચો ભાવ મળશે. તમને મળે છે? વિમાના પૈસા કેટલા મળ્યા? તમને તો વીમાના રૂપિયા નથી મળ્યા. ૧૦ હજાર કરોડ રૂપિયા વીમાના રૂપિયા દેશના સૌથી અમીરોના ખાતામાં નાંખ્યા. આ છે મોદીની વીમા યોજના. બીજા શબ્દોમાં કહું તો, મોદીની અનીલ અંબાણી વીમા યોજના. તમે દેશભકિતની વાતો કરો છો પણ ૩૦ હજાર કરોડ રૂપિયા રફાઈલમાંથી ચોરી કરીને અનિલ અંબાણીના ખાતામાં નાંખ્યા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




