સુરત,તા.૧૦
રીંગરોડ સોમેશ્વર ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારીએ દલાલ મારફતે બમરોલી રોડ રાયકા સર્કલ પાસે મહાલક્ષ્મી સોસાયટીમાં એમ્બ્રોઇડરી જાબવર્કનુ કામ કરતાં અલથાણના યુવાન પાસે રૂ.૧.૨૧ લાખનુ જાબ વર્ક કરાવી ત્રણ મહિનામાં પેમેન્ટનો વાયદો કર્યો હતો. પરંતુ દસ મહિના બાદ પણ પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અલથાણ કેનાલ રોડ ભીમરાડ ચેકપોસ્ટ ની બાજુમાં શિવ રેસીડેન્સી માં રહેતા ૩૦ વર્ષીય વિશ્વાસ પવનકુમાર તુલશ્યાન બમરોલી રોડ રાયકા સર્કલની બાજુમાં મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પ્લોટ નંબર ૧૨૬ માં એમ્બ્રોઇડરી જાબવર્ક નું કામ કરે છે.
રીંગરોડની સોમેશ્વર ટેક્સટાઈલ માર્કેટમાં ગર્વિત ટેકસટાઇલના નામે કાપડનો વેપાર કરતા સંજય કુમાર શર્માએ દલાલ ગૌતમ વ્યાસ મારફતે ગત ફેબ્રુઆરી મહિનામાં વિશ્વાસ ભાઈ પાસે એમ્બ્રોઇડરી જાબવર્કનું કામ કરાવ્યું હતું. સંજય કુમાર શર્મા એ જાબ વર્કની મજૂરીના રૂ.૧,૨૦,૯૬૦ ત્રણ મહિનામાં ચૂકવવાનો વાયદો કર્યો હતો પરંતુ વાયદાના દિવસો વીતી જવા છતાં તેમણે પેમેન્ટ કર્યું ન હતું અને ધક્કા ખવડાવ્યા હતા.
એમ્બ્રોઇડરી જાબવર્ક કરાવ્યાના દસ મહિના બાદ પણ સંજય કુમાર શર્માએ પેમેન્ટ નહીં કરતા આખરે વિશ્વાસ ભાઈએ ગતરોજ સંજય કુમાર શર્મા અને ગૌતમ વ્યાસ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ એએસઆઈ અલ્પાબેન કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




