ન્યુ દિલ્હી,તા.૨૦
રાજ્ય સરકારે ૯૦૦ રૂપિયા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો ખરીદ્યો છે. ત્યારે હવે ૨૦૧૮-૧૯ માટે મોદી સરકારે ખરીફ પાકના પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવમાં ૪૦૦ રૂપિયા સુધીનો વધારો કરવાનું નક્કી કર્યું છે. ટેકાના ભાવમાં વધારો કરીને મોદી સરકાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મનાવવા માગે છે. મહત્વનું છે કે ૨૦૧૯ની ચૂંટણી ભાજપ માટે ખૂબ અગત્યની છે. ૨૦૧૭-૧૮માં કેંદ્ર સરકારે મગફળીનો ટેકાનો ભાવ ૨૦૦ રૂ.થી વધારીને ૪,૪૫૦ રૂપિયા કર્યો હતો.
નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ)ના ચેરમેન સુધીર મલ્હોત્રાએ કહ્યુ કે, ટેકાના ભાવ નક્કી કરવાની પ્રક્રિયા કંટાળાજનક છે. ટેકાનો ભાવ નક્કી કરવા માટે ઉત્પાદનનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદન પાછળ થતો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, જેની માહિતી રાજ્યોના ખેતીવાડી ડિરેક્ટર આપે છે. પરંતુ આ વખતે કેંદ્ર સરકાર દ્વારા ખરીફ પાકનો પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ૪,૮૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
નાફેડ કેંદ્ર સરકારના કૃષિ મંત્રાલય હસ્તગત કામ કરતું માર્કેટિંગ કોઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન છે. નાફેડે હાલમાં જ મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગુજરાત સરકાર પર આરોપ મૂક્યો હતો. ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર ભાવઅંતર યોજના અમલમાં મૂકવાના મૂડમાં નથી. મધ્યપ્રદેશમાં આ યોજના અમલમાં મૂકાઈ છે. યોજના પ્રમાણે, ઉત્પાદનનો તમામ જથ્થો કોઈ એજંસી નહીં ૧૦૦ ટકા ઉત્પાદન ખર્ચ આપીને સરકાર જ ખરીદી લે, જેમાં માલની ગુણવત્તાને ધ્યાનમાં ન લેવાય. ટેકાના ભાવ અને બજારની કિંમતનો તફાવત ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



