વેકેશનના સમયગાળામાં બાળકો વિવિધ ઇત્તર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત બની જાય છે. ખાસ કરીને સ્વીમીગ પૂલમાં જઇને ઉનાળાની ગરમીમાં તરવાના આનંદ સાથે ઠંડકની મજા માણવાનું બાળકો પહેલાં પસંદ કરે છે. આવા સમયે ક્યારેક બાળકો સ્વીમીંગ પૂલમાં ડૂબવાના કિસ્સા પણ બને છે આવા સંજોગોમાં ઉપસ્થિત નાગરિકોએ શી કાળજી રાખવી અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી કે જેથી કોઇનો જીવ બચાવી શકાય તે સંદર્ભે ગાંધીનગર સેક્ટર-૧૯ના જીમખાના ખાતે શહેરના નામાંકિત ડૉક્ટર્સે લાઇવ ડેમો આપીને વિશદ માહિતી આપી હતી.
ગાંધીનગર સેક્ટર-૧૯ના જીમખાના ખાતે યોજાયેલા આ પ્રાથમિક સારવાર માર્ગદર્શન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલાં શહેરના નામાંકિત બાળરોગ નિષ્ણાત ડૉ. ગુંજન જૈન અને જાણીતા એનેસ્થેટિક્સ ડૉ. રાજીવ હર્ષે સ્વીમીંગ પૂલ કે અન્ય જગ્યાએ ડૂબતા માણસને બચાવવાના ઉપાય તરીકેની પ્રાથમિક સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ડૂબેલા વ્યક્તિની સારવારમાં તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરવા ઉપરાંત છાતીના ભાગે નીપલ લાઇનથી સ્હેજ નીચે વચ્ચેના ભાગે દબાણ આપીને હ્રદયને ધબકતું કરવાના પ્રયાસ કરવા અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા દર્દીને પ્રવૃત્ત રાખવા જેવી બાબતો ઉપર વિશેષ માહિતી આપીને નિદર્શન દ્વારા સમજણ આપી હતી. ડૉ. રાજીવ હર્ષેએ જણાવ્યું હતું કે, આ બે બાબતો દ્વારા ડૂબેલા વ્યક્તિને તાત્કાલિક પ્રથામિક સારવાર આપીને તેનો જીવ બચાવી શકાય છે. બાળરોગ નિષ્ણાત ડૉ. ગુંજન જૈને પણ તાત્કાલિક પ્રાથમિક સારવારના અન્ય મુદ્દાઓને લાઇવ ડેમો દ્વારા સમજાવ્યા હતા.
આ માર્ગદર્શન કેમ્પમાં ડીવાયએસપી પરાગ વ્યાસ, એકાઉન્ટ ઓફિસર રાજેન્દ્ર શાહ, આર્ટ્સ કોલેજના પ્રો. મેહૂલ પંડ્યા, સેક્ટર-૧૯ જીમખાના સ્વીમીંગ પુલના સદસ્યો, પ્રકાશ મોઢ, અશોક સિંઘ, અનિલ પંડ્યા તેમજ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોએ ઉપસ્થિત ડોક્ટર્સ સાથે ખુબજ રસપૂર્વક પ્રશ્નોત્તરી પણ કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"