કચ્છમાં દરગાહની તોડફોડ બાબતે પોલીસે કર્યો પર્દાફાશ : તે અંગે વિશેષ જાણો

0
324

ભુજઃ અબડાસાના સુથરી, મોથાળા અને ભવાનીપરની દરગાહોમાં તોડફોડ અને આગચંપીના ચકચારી બનાવો પૈકી પોલીસને પહેલી સફળતા મેળવી છે.

પોલીસે મોથાળામાં આવેલી નુરમામદશાપીરની દરગાહમાં ગત 24મી ફેબ્રુઆરીએ તોડફોડ, આગચંપી કરનારાં તેમજ અભદ્ર લખાણ લખનારાં નાંગીયારી ગામના જુસબ જાકબ ત્રાયા નામના મુકબધિર યુવકની ધરપકડ કરી છે.

આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી ના જણાતી હોવાનું જણાવી પોલીસે સઘન તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. ત્રણ ત્રણ ચકચારી કેસને ઉકેલવા માટે પોલીસે ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. તો, મુસ્લિમ સમાજમાં પ્રવર્તતા આક્રોશને અનુલક્ષીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને રાજ્ય ત્રાસવાદ વિરોધી દળની પણ મદદ લેવાઈ હતી. તેમ છતાં ત્રણેય કેસ ડિટેક્ટ ના થતાં પોલીસ તંત્ર ભારે દબાણ હેઠળ હતું. પરંતુ, એક કેસમાં સફળતા મળતાં પોલીસ પરનું દબાણ થોડુંક હળવું થયું છે.

દરગાહનો ભેદ કેવી રીતે ઉકેલ્યા ?

ચાર દિવસ પૂર્વે ગત 13મી મેનાં રોજ નાંગીયારી ગામની ડેરી બંધ હતી. ત્યારે કોઈ અજાણ્યો માણસ બપોરે સુમસામ જગ્યા જોઈ ડેરીની દિવાલ પર અભદ્ર લખાણ લખી ગયો હતો. આ અંગે નાંગીયારી ગામના દાઉદ બાફણે માનકૂવા પોલીસને જાણ કરતાં એસપી એમ.એસ.ભરાડાની સૂચનાથી માનકૂવા પોલીસ અને એલસીબીના પીઆઈ જે.એમ.આલે ટીમ બનાવી સઘન તપાસ શરૂ કરી હતી. દરમિયાન, સામત્રા રોડ પર આવેલી ડેરીની દિવાલ ઉપર લખાયેલું લખાણ પણ ડેરીના લખાણને મળતું આવતું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બંને લખાણ કોઈ એક જ વ્યક્તિએ લખ્યાં હોવાનું સ્પષ્ટ થતું હતું. ઝીણવટભરી તપાસમાં પોલીસને બાતમી મળી હતી કે, નાંગીયારી ગામનો મૂક બધિર યુવક જુસબ જાકબ ત્રાયા આ રીતે દિવાલો પર અભદ્ર લખાણ લખવાની ટેવ ધરાવે છે. જુસબે અગાઉ માનકૂવા નજીક આશાબાપીરની દરગાહ ઉપર પણ અસભ્ય વર્તન કર્યું હતું. જેથી દરગાહના સંચાલકોએ તેને રવાના કરી દીધો હતો. જુસબ પાસે એસટી બસનો મફતમાં મુસાફરી કરવાનો પાસ હોઈ તે ગમે ત્યાં રખડતો ભટકતો રહેતો હતો. જેથી પોલીસે તેને શોધી નવચેતન અંધજન મંડળના સરકારી શિક્ષક રોહિત જોશીની મદદ વડે સાંકેતિક ભાષામાં યુક્તિપૂર્વક તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે મોથાળાની દરગાહના ગુનો કબૂલ્યો હતો.

મોથાળા દરગાહના લખાણનો ફોટો ઓળખી બતાડ્યો

જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભરાડાએ જણાવ્યું કે, સાંકેતિક ભાષામાં પૂછતાછ દરમિયાન સામત્રા ડેરી અને મોથાળાની દરગાહ પર લખાયેલું અભદ્ર લખાણ તેને બતાડાયું હતું. બંને સ્થળના ફોટોગ્રાફ બતાડાતાં તેણે બંને સ્થળે પોતે લખાણ લખ્યું હોવાનું સ્વિકાર્યું હતું. પોતે માંડવીમાં મુંગા બહેરાની શાળામાં ભણ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. બાદમાં પોલીસ તેને સામત્રા ડેરી અને મોથાળાની દરગાહના સ્થળે રૂબરૂ લઈ ગઈ હતી. બંને જગ્યાએ તેણે જે દિવાલો પર લખાણ લખ્યું હતું તે દર્શાવી આપ્યું હતું.

જુસબે જ તોડફોડ કરી હોવાનું કબૂલ્યું છે.

સરકારી પંચોની હાજરીમાં સ્થળ મુલાકાત સમયે જુસબે પોલીસને જણાવ્યું કે, તે દરગાહની અંદર પ્રવેશ્યો હતો અને દરગાહની સાઈડની દિવાલમાં જે પોસ્ટર હતુ તે કાઢી નાખ્યું હતું. કોશ જેવા હથિયારથી મુખ્ય દરગાહને તેણે નુકસાન કર્યું હતુ અને સફેદ જેવી ચાદર બહાર લાવી ખુલ્લી જગ્યામાં તેણે જ સળગાવી દીધી હતી. આ કરતૂત આચરીને તે દરગાહની પશ્ચિમ બાજુએ નાસી છૂટ્યો હતો.

ઠંડીમાં થયેલાં અપમાનનો રોષ જુસબે દરગાહની તોડફોડ-આગચંપી કરી કાઢ્યો

નવચેતન અંધજન મંડળ સંસ્થાના શિક્ષક રોહિત જોશીએ જુસબ ત્રાયાને સાંકેતિક ભાષામાં પૂછ્યું કે, તેણે દરગાહમાં શા માટે આવું કૃત્ય આચર્યું ત્યારે સાંકેતિક ભાષામાં તેણે અપમાનનો બદલો લેવા આ કૃત્ય આચર્યું હોવાનો જવાબ આપ્યો હતો. જુસબે સાંકેતિક ભાષામાં જણાવ્યું કે, ઠંડીની સીઝનમાં તે બસમાં મોથાળા દરગાહે આવ્યો હતો. તે સમયે ન્યાઝ હોઈ ત્યાં ઘણા માણસો અને વાહનો હતા. તે વખતે એક જાડો માણસ તેની પાસે આવ્યો હતો અને જુસબને તેણે ત્યાંથી ધુત્કારીને હાંકી કાઢ્યો હતો. જેથી કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈને તેણે આખી રાત કાઢી હતી. બસ આ બાબતનો તેના મનમાં ગુસ્સો હતો જે તેણે દરગાહની આગચંપી-તોડફોડ કરી તેમજ તેની દિવાલ પર બીભત્સ લખાણ લખી બહાર કાઢ્યો હતો. ઘટના સમયે દરગાહમાં કોઈ હાજર નહતું.

દરગાહમાં વિવિધ ગામ, લોકો અને દેશના નામ પણ લખેલાં

મોથાળાની દરગાહની દિવાલ પર તેણે અભદ્ર લખાણ ઉપરાંત નુંધાતડ, નાંગીયારી વગેરે ગામના નામ તેમજ વિવિધ લોકોના નામ અને અલગ અલગ દેશના નામ તેણે લખ્યાં હતા. શિક્ષકે આ અંગે પૂછતાં તેણે જણાવ્યું કે, નાંગીયારી ગામનાં જે લોકો તેને ઠપકો આપી ધુત્કારતા હતા તેમના નામ તેણે ગુસ્સામાં આવીને લખ્યાં હતા. પોતાને ક્રિકેટનો શોખ હોઈ તેવા દેશના નામ લખ્યા હતા.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY