મોડાસા,તા.૨૫
અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો પર પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ વધારતા બુટલેગરો જીલ્લાના અંતરિયાળ વિસ્તારના માર્ગે મોટા પ્રમાણના વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે. પુરઝડપે શણગાલ તરફથી આવતી આઈ-૧૦ કાર (GJ 1 RH૩૧૫૪) રામજી મંદિર પાસે કેનાલમાં ધડાકાભેર ઊંધા માથે પટકાતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા. કારમાં વિદેશી દારૂ-બિયરના ટીન ભરેલ હોવાથી કાર ચાલક તક જાઈ ફરાર થઈ જતા કેનાલમાં દારૂ ભરેલી કાર ખાબકી હોવાની જાણ દારૂના રસિયાઓને થતા દારૂ-બિયરની લૂંટ ચલાવી પલાયન થયા હતા. કેનાલની આજુબાજુમાં વિદેશી દારૂ અને બીયરના પેટીના ખાલી ખોખા ઠેર ઠેર વેરવિખેર પડ્યા હતા. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. કેટલાક બીયરના શોખીનોએ તો ઘટનસ્થળે જ બીયરના ટીન ગટગટાવી ખાલી ટીન નાખી દીધા હતા.
મોડાસા રૂરલ પોલીસને ટીંટોઈ રામજી મંદિર નજીક વિદેશી દારૂ ભરેલી કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટનાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસને ઘટનાસ્થળે થી કચ્ચરઘાણ નીકળેલી કાર અને વિદેશી દારૂ ની ૫ પેટી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





