મોરબી,તા.૧૫
મોરબી જીલ્લાની ૩૩ ટકાથી વધુ જમીન માટે આશીર્વાદ રૂપ નર્મદા કેનાલમાં અનેક ખેડૂતોએ પોતાની જમીન નજીવી કિંમતે આપવી પડી છે ત્યારે મોરબીના છ જેટલે ગામના ખેડૂતોએ આ વળતરને લઈ ને કોર્ટનું શરણું લીધું હતું. ૨૦ વર્ષની લડાઈ બાદ કોર્ટ દ્વારા વ્યાજ સાથે વળતર ચુકવવા તંત્રને આદેશ પણ આપી દીધો છે પરંતું તંત્ર દ્વારા ખેડૂતોને કોઇ પણ પ્રકારના વળતરની ચૂકવણી કરવામાં આવી નથી.
કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને ૧૪ મહિનાનો સમય વીતી ગયો છે છતાં હજી સુધી આ ખેડૂતોને વળતરની રકમ માટે આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે આજે આ ખેડૂતોએ પોતાના હકની માંગ સાથે જિલ્લા કલેક્ટરને પોતાની સમસ્યાની રજૂઆત હતી અને તાકીદે તેમને વળતર મળી રહે એવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી.
જે તે સમયે ખેડૂતોને મીટર દીઠ બિનપિયત જમીનના ૪૮ પૈસા અને પિયત વાડી જમીનના ૬૨ પૈસા મુજબ વળતર ચુકવવામાં આવ્યું હતું અને ત્યારે આ ખેડૂતોને વીઘા દીઠ માત્ર ૧૨૦૦ રૂપિયા જેટલું જ વળતર આપવામાં આવ્યું હતું, જે તમને મંજુર નહોતું આથી ખેડૂતોએ જમીન તો લોકહિત માટે આપી જ પરંતુ વાંધા સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ૧૪ મહિના પહેલા કોર્ટ દ્વારા આ ખેડૂતોને મીટર દીઠ બિન પિયત જમીન માટે ૨૪ રૂપિયા અને પિયત વાડી જમીનના ૩૨ રૂપિયા લેખે ૧૫ % વ્યાજ સાથે વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ આ ખેડૂતો શુક્રવારે પણ આ વળતરની રકમ માટે વલખા મારી રહ્યા છે ત્યારે શુક્રવારે આ પાંચ ગામના ખેડૂતો એ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



